મ્યુનિ. કોર્પોરેશનમાં મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં જપ્ત કરેલા ૧૮ ફોન હજી આપ્યા નથી
નવાપુરા પોલીસ સ્ટેશને કાર્યકરોએ હોબાળો મચાવી ફોન પરત આપવા માંગ કરી

મેયરની નેમ પ્લેટ તોડી નાખવાના કેસમાં પોલીસે કબ્જે કરેલ ૧૮ મોબાઈલ ફોન ત્રણ મહિના થયા છતાં પરત ન મળતા આપના કાર્યકર્તાઓએ નવાપુરા પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.
તા. ૩૦ જૂને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખંડેરાવ માર્કેટ ખાતે હલ્લાબોલ કર્યો હતો. મેયર ઉપસ્થિત ન હોવાથી કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી દરવાજા પર કાળી શાહી છાંટીને વિરોધ દર્શાવ્યો હતો. આ કેસમાં પોલીસે પાર્ટીના ૨૬ કાર્યકર્તાઓની અટકાયત કરી ૧૮ મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કર્યા હતા. ત્રણ મહિના વિતવા છતાં પરત મળ્યા નથી. નવાપુરા પોલીસ મથકે પાર્ટીના પ્રમુખનું કહેવું હતું કે, અમને જામીન મળે એટલે મોબાઇલ ફોન પરત આપવાની પોલીસે ખાતરી આપી હતી. પરંતુ, ફોનનો ગુનામાં કોઈ રોલ ન હોવા છતાં પોલીસે એફએસએલમાં મોકલી આપ્યા છે. એફએસએલ રિપોર્ટ ૧૫ દિવસમાં આવી જાય છે.