Get The App

કલોલમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 18 શંકાસ્પદ કેસ મળ્યા, કુલ આંકડો 116 પર પહોંચ્યો

સોમવારે આરોગ્ય તંત્રની ટીમોએ 2640 ઘરોનો સર્વે કરી 9445 લોકોને આવરી લીધા હતા

Updated: Jun 27th, 2023

GS TEAM

Google News
Google News
કલોલમાં કોલેરાગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 18 શંકાસ્પદ કેસ મળ્યા, કુલ આંકડો 116 પર પહોંચ્યો 1 - image

કલોલ:કલોલમાં કોલેરાના કુલ કેસનો આંકડો 116 ઉપર પહોંચી ગયો છે. સોમવારે કોલેરાના 18 જેટલા કેસ નોંધાયા હતા. જયારે નવ જેટલા દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. કલોલમાં પ્રદૂષિત પાણીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોગચાળાને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ કલેક્ટર કલોલ દોડી આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારમાં તંત્રની કામગીરીની સમીક્ષા કરી હતી. કલોલના મટવાકુવા,અંજુમન વાડી સહિતના વિસ્તારોમાં પ્રદુષિત પાણી આવવાની બુમરાણ હતી. પ્રદુષિત પાણી પીવાથી લોકોને ઝાડા ઉલટી થઈ ગયા હતા. દર્દીઓનો કોલેરા ટેસ્ટ કરતા પોઝિટિવ મળી આવ્યા હતા. સોમવારે વધુ 18 જેટલા  શંકાસ્પદ કોલેરાના કેસ નોંધાયા હતા.

કોલેરાની ચકાસણી માટે બે જેટલા સ્ટુલ સેમ્પલ લેવાયા
કોલેરા રોગચાળાને નાથવા માટે આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. તંત્ર દ્વારા પાંત્રીસ જેટલી ટીમ બનાવી ઘરે ઘરે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સોમવારે આરોગ્ય તંત્રની ટીમોએ 2640 ઘરોનો સર્વે કરી 9445 લોકોને આવરી લીધા હતા. આ ઉપરાંત 1792 જેટલા ઓઆરએસના પેકેટ અને 5244 જેટલી ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોલેરાની ચકાસણી માટે બે જેટલા સ્ટુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા. 

ઘર વપરાશ માટે પાલિકા પાણી શરૂ કર્યું
કલોલમાં કોલેરા ફાટી નીકળતા વિસ્તારમાં નગરપાલિકાએ પાણી બંધ કરી દીધું હતું. પાણી બંધ થવાથી જ્યાં કોલેરા નહોતો તેવા વોર્ડમાં પણ બુમરાણ મચી ગઈ હતી. નગરસેવકો તેમજ પ્રજાએ પાણી છોડવા માટેની ઉગ્ર રજૂઆત કરી હતી જેને પગલે નગરપાલિકા દ્વારા ઘર વપરાશ માટે પાણી છોડવામાં આવ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા આ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો નહીં તેવી અપીલ કરવામાં આવે છે.