જિલ્લામાં 18.17 લાખ નાગરિક પાસે આભા કાર્ડ, 40 ટકાનો હેલ્થ રેકોર્ડ લિંક
- આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ-આભા અંતર્ગત
- ડીજી લોકરની જેમ દર્દીનો ડિજિટલ હેલ્થ રેકોર્ડ સચવાશે, દર્દીને ફીઝિકલ ફાઈલ લઈ જવાની જરૂર નહીં, દર્દી ઓટીપી આપે તો જ રેકોર્ડ જોઈ શકાશે
'આભા' એટલે ૧૪ ડિજિટ ધરાવતો નંબર, જે દર્દીના નામ, સરનામા, ક્યુઆર કોડને એકિકૃત કરે છે. તે ડીજી લોકરની જેમ એક પ્રકારનું ડિજિટલ હેલ્થ રેકોર્ડ કાર્ડ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલ, ભાવનગર મેડિકલ કોલેજ, મહુવા અને પાલિતાણા સ્થિત સબ ડિવિઝનલ હોસ્પિટલમાં જે આભા કાર્ડ ધારક દર્દીઓની લેબોરેટરી તપાસ થઈ હોય તેમનો ડેટા ૧૦૦ ટકા લિંક કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએ સબ સેન્ટરમાં સગર્ભા, માતાઓ, બાળકોનું રસીકરણ કરવામાં આવે છે તે ડેટા પણ લિંક થઈ ગયો છે. ડેટા લિંક થવાથી હોસ્પિટલમાં કેસ બારી પર લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે. વિવિધ તપાસ રિપોર્ટની ફીઝિકલ ફાઈલ સાચવવાની અને અહીં-તહીં લઈ જવાની જરૂર નહીં રહે. ડેટા ત્રાહિત વ્યક્તિ જોઈ નહીં શકે. દર્દીના મોબાઈલમાં વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) જનરેટ થશે. તે આપશે પછી જ તબીબ તે હેલ્થ રેકોર્ડ જોઈ શકશે.
આરોગ્ય કેન્દ્રમાં જતા આભા કાર્ડ ધારકનો ટૂંક સમયમાં ડેટા લિંક થશે
ભાવનગર જિલ્લામાં હાલ ૪૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્ર છે. જેમાં આભા કાર્ડ ધારક દર્દીઓ સારવાર લેવા માટે જશે ત્યારે તેના લેબોરેટરી રિપોર્ટ તૈયાર થવા સાથે આપોઆપ લીંક થઈ જશે. જેથી ભવિષ્યમાં જ્યારે તબીબી સારવારની જરૂરિયાત ઉત્પન્ન થાય ત્યારે તેનું અવલોકન કરી સારવાર આપી શકાય. આ માટે હાલ સોફ્ટવેર તૈયાર થઈ રહ્યું છે. જે આગામી બે-ત્રણ માસમાં કાર્યાન્વિત થશે.