Get The App

બિપરજોય વાવાઝોડાથી ગુજરાતમાં 1797 કરોડનું નુકસાન થયું, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે સહાય માંગી

કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી છે

સાત સભ્યોની બે ટીમ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરશે

Updated: Aug 2nd, 2023

GS TEAM

Google News
Google News
બિપરજોય વાવાઝોડાથી ગુજરાતમાં 1797 કરોડનું નુકસાન થયું, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે સહાય માંગી 1 - image



અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT)  ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી છે. આ સાત સભ્યોની બે ટીમ 04 ઓગસ્ટ સુધી ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-NDMAના સંયુક્ત સચિવ અને IMCTના ટીમ લીડર હર્ષ ગુપ્તા તેમજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા જૂન મહિનામાં આવેલા અતિવિનાશક બિપરજોય વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આઠ જિલ્લાના 443 ગામની 19.16 લાખથી વધુ વસતીને અસર

કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે ગુજરાતની ચાર દિવસની મુલાકાતે છે. ત્યારે આ ટીમ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાનનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વીજળી અને તેને લગતી સેવાને 909 કરોડથી વધુનું નુકસાન થયુ છે. રોડ અને બિલ્ડીંગ વિભાગને 702 કરોડનું નુકસાન થયુ છે. પોર્ટ અને ટ્રાન્સપોર્ટને 72.72 કરોડનું નુકસાન થયુ છે. તો કૃષિને 20 કરોડના નુકસાનની રજૂઆત કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાથી કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 443 ગામની 19.16 લાખથી વધુ વસતીને અસર થઈ હતી. 

74 હજારથી વધુ લોકોનું કચ્છમાં સ્થળાંતર કરાવાયુ

ગુજરાતમાં કેન્દ્ર સરકારની સાત સભ્યોની બે ટીમ આજથી એટલે કે 01 થી 04 ઓગસ્ટ દરમિયાન ‘બિપરજોય’ વાવાઝોડા પ્રભાવિત કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બનાસકાંઠાની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરવાની છે. ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડા સમયે યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર સહિતના આગોતરા પગલાં લીધા હતા અને પુનઃવસનની કામગીરી કરી હતી.કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં 1.43 લાખ લોકોને આગોતરા સલામત સ્થળે સ્થળાંતર કરાવાયુ હતું. સૌથી વધુ 74 હજારથી વધુ લોકોનું કચ્છમાં સ્થળાંતર કરાવાયુ હતું.

નુકસાનનું યોગ્ય વળતર કેન્દ્ર સરકાર આપશે

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડાની કેન્દ્રીય ટીમ સમક્ષ માહિતી આપતાં કહ્યું હતું કે, વહીવટીતંત્રની સજગતાના પરિણામે વાવાઝોડા દરમિયાન સંપતિને બાદ કરતાં જાનહાનિ અટકાવી શક્યા છીએ. આ વાવાઝોડાથી બચવા પહેલા અને પછી યોગ્ય તૈયારી કરવાથી એક પણ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો નથી તે સરકારની ઉપલબ્ધિ છે. બિપરજોય વાવાઝોડાના કારણે મુખ્યત્વે રસ્તા, વીજળી, કૃષિ પાક, મકાનો, વૃક્ષો, બંદરો વગેરેને થયેલા નુકસાનનું યોગ્ય વળતર કેન્દ્ર સરકાર આપશે. 


Tags :