- ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ અંગે બે દિવસીય સમીક્ષા પૂર્ણ
- રોડ, બિલ્ડીંગ, આરોગ્ય સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં : નવા પ્રોજેક્ટના પગલે મહાપાલિકાનું બજેટ વધશે, આગામી સ્ટેન્ડિંગ કમિટિમાં બજેટને મંજૂરી અપાશે
ભાવનગર મહાનગરપાલિકામાં ગત તા. રર અને તા. ર૩ જાન્યુઆરીના રોજ સ્ટેન્ડીંગ કમિટિની બજેટ બેઠક બંધ બારણે મળી હતી, જેમાં મહાપાલિકાનું આશરે રૂ. ૧,૭૦૦ કરોડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આશરે રૂ. ૧૭૦.૬ર કરોડનું બજેટ મંજૂર કરવા સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત આવી હતી. ભાવનગર મહાપાલિકાનુ નગર પ્રાથમિક શિક્ષણ સહિતનું વર્ષ ર૦ર૬-ર૭નું સુચિત અંદાજપત્ર અંગે પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ ગઈ છે તેથી હવે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. આજે શુક્રવારે બીજા દિવસે રોડઝ, બિલ્ડીંગ, આરોગ્ય, અર્બન મેલેરીયા, સોલીડ વેસ્ટ, રોશની સહિતના વિભાગના અધિકારી સાથે સમીક્ષા કરવામાં આવી હતી. આ અંગે ચેરમેને જણાવ્યુ હતુ કે, આગામી વર્ષમાં ભાવનગર શહેરીજનોની સુવિધામાં વધારો થાય તે માટેના વિવિધ કામગીરી, પ્રોજેકટની અમલવારી કરવા સૂચનો આપવામાં આવેલ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જરૂરી વિવિધ સામાનો માટે વાષક ભાવો મંજુર કરાવવા તથા ખરીદી માટેના પાવર્સ ડેલીગેટ કરીને ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે સુચન આપેલ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિવિધ ટેકનિકલ તથા બિલ્ડીંગને લગતા કામોમાં વહીવટી સરળતા થાય, કામગીરી વધુ ઝડપી બને તે માટે સુવિધા (સોશિયલ અપગ્રેડેશન એન્ડ વેરિફિકેશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ફોર ડેવલપમેન્ટ એન્ડ હોલીસ્ટીક એસેસમેન્ટ) સમિતી બનાવવા સૂચના આપવામાં આવેલ છે, આ સમિતિ દ્વારા શાળાઓને લગતા મુદ્દાઓનું ઝડપથી નિરાકરણ લાવી શકાશે તથા કામગીરી વધુ અસરકારક રીતે ઝડપથી થઇ શકશે. આગામી વર્ષમાં વધુ આંગણવાડીને સ્માર્ટ બનાવવાનું આયોજન આવેલ છે તથા નવી બનનારી આંગણવાડીઓ કમ્પાઉન્ડ વોલ સહિત પહેલાથી જ આયોજન કરી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવનાર છે.
ફાયરના વાહનો-સાધનો વસાવવા સૂચન
ભાવનગર શહેરમાં આઠ-દસ માળથી વધુની બિલ્ડીંગો બની રહી છે ત્યારે શહેરીજનોની સુરક્ષા તેમજ સલામતીને લક્ષમાં રાખી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા અંદાજે રૂપિયા ૧૫ કરોડની રકમનું રેસ્કયુ કામગીરી માટેનું હાઇડ્રોલીક ટર્ન ટેબલ લેડર (૬૦ મી. હાઈટ) વાહન વસાવવા કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલ છે. ફાયર વિભાગ ખાતે હાલ એક બોટ કાર્યરત હોય, તેમાં વધારો કરી આધુનિક બોટ તથા તળાવમાં ઉંડે સુધી રેસ્કયુ-ઇમરજન્સી કામગીરી માટેના રોબોટીક કેમેરા સહિતના સાધનો મહાપાલિકા દ્વારા ખરીદવા કાર્યવાહી કરાવવાની રહેશે. ફાયર વિભાગના સ્ટાફ કામગીરીને ધ્યાને લેતા સંભવિત જોખમો સામે રક્ષણ મળી રહે તે માટે ગૃપ વીમો-ઇન્સ્યોરન્સ લેવાની કાર્યવાહી મહાપાલિકા દ્વારા કરવા માટે સૂચન આપવામાં આવેલ છે.
આઉટસોસીંગ એજન્સી માટે પોલિસી બનાવાશે
મહાપાલિકાના વિવિધ વિભાગોની કામગીરી માટે જરૂરિયાત મુજબ ટેન્ડરીંગથી આઉટસોસીંગથી સ્ટાફ જે-તે એજન્સી પાસેથી લેવામાં આવે છે તે અંગે પોલિસી બનાવવામાં આવનાર છે, જેમાં એજન્સી તથા સ્ટાફનું મલ્ટીપલ લેવલેથી ઇન્સ્પેક્શન તથા મોનીટરીંગ કરવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તથા સ્ટાફની રિકવાયરમેન્ટ અંગે પણ યોગ્ય ચકાસણી કર્યા બાદ કામગીરીને અનુરૂપ સક્ષમ, કવોલીફાય તથા કાર્યક્ષમ સ્ટાફ એજન્સી મારફત લેવા અંગે કાર્યવાહી કરાવવા સૂચના આપવામાં આવેલ છે.
ઘરવેરા સહિતના બિલો ઓનલાઈન મોકલાશે
મહાપાલિકામાં હાલ ઘરવેરા, વ્યવસાયવેરા સહિતના બિલો ઓનલાઇન તથા વોટસએપના માધ્યમથી મોકલવામાં આવે છે તેમાં જે-તે કરદાતાઓનો વેરો બાકી હોય તેઓને પેન્ડીંગ બિલ બાબતે માસિક રિમાઇન્ડર મોકલવાની સિસ્ટમ શરૂ કરવા કાર્યવાહી કરવામાં આવનાર છે જેથી શહેરમાં લોકોને વેરા ભરવા અંગે જાણકારી મળતી રહેશે.
વૃક્ષોના ટ્રીમીંગ માટે આધૂનિક મશીન ખરીદવા સહિતની સૂચના અપાઇ
મહાપાલિકાના ગાર્ડન, સોલિડ વેસ્ટ તેમજ યુ.સી.ડી. વિભાગ દ્વારા વિવિધ કામગીરીઓ થઇ રહી છે ત્યારે મહાપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષોના યોગ્ય રીતે ટ્રીમીંગ માટે આધૂનિક મશીન ખરીદવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે. ગાર્ડન કે ડીવાઇડર દત્તક આપવાની પોલીસીમાં ફેરફાર કરી નિયમિતપણે મેઈન્ટેનન્સ થાય તે માટે આયોજન થયેલ છે. વધુમાં મહાનગરપાલિકા હસ્તકના એસ.ટી.પી.માંથી ટ્રીટ થયેલ પાણી ખેતીવાડી તથા ડીવાઇડર-ગાર્ડનમાં વધુ સારી રીતે પૂરૂ પાડી શકાય / પહોંચાડી શકાય તે માટે વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવામાં આવેલ છે. વધુમાં ભીકડા ડેમ સાઈટની આસપાસ તથા કેનાલની બંને બાજુએ સુવ્યવસ્થિત વૃક્ષો વાવી સઘન વનીકરણ કરવામાં આવશે.
રોડ ખોદવા બાબતે પોલીસી કાર્યવાહી કરાશે
શહેરમાં યુટીલીટી લાઇનો તથા અન્ય કારણોસર જયારે રોડ ખોદવાનો થાય તેમાં થતી કાર્યવાહી અંગે એસ.ઓ.પી./પોલીસી બનાવવા તથા આવા કિસ્સાઓમાં રોડ તથા બ્લોકના રીસ્ટોરેશન, રી-ઇન્સ્ટેટમેન્ટ માટે થતા ખર્ચ અનુસાર વસૂલ કરવાના થતા ચાર્જ રિવાઇઝ કરવા અંગે દરખાસ્ત કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત ગેરંટી પીરીયડવાળા રોડ એજન્સી દ્વારા રીપેર ન કરવાના કિસ્સામાં એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની તથા સરકારની ગાઇડલાઇન મુજબ નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.
આરોગ્ય વિભાગમાં ટેસ્ટ રીપોર્ટ થઈ શકે તે માટે મશીનો વસાવાશે
મહાપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં ૩ સી.એચ.સી., ૧૪ પી.એચ.સી. તથા અન્ય આરોગ્ય કેન્દ્રો પર વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેમાં રૂટિન કરવામાં આવતા તબીબી રીપોર્ટ સાથે રીએજન્ટ થકી થતા વિશેષ થાઈરોઈડ ફંકશન, ઓટોઈમ્યુન, ટયુમર માર્કર (કેન્સર માટે), પ્રી-નેટલ સ્ક્રીનીંગ, ઇન્ફેકશન ડીસીસ, ગ્લાયકોમેટાબોલીઝમ વિગેરેના ટેસ્ટ રીપોર્ટ પણ થઇ શકે તે માટે જરૂરી મશીનો તથા સાધનો વસાવવા સૂચના આપવામાં આવેલ છે.
સ્મશાનોને રૂા. 2 લાખ સુધીની આર્થિક સહાય અપાશે
મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનની હદમાં આવેલ સ્મશાનોને રૂા.૭૫,૦૦૦/- ની વાષક આથક સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરી સ્મશાનોની જરૂરિયાત મુજબ રૂા.૨,૦૦,૦૦૦/- સુધીની આથક સહાય નિયમાનુસાર આપવા અંગે જરૂરી કાર્યવાહી કરવા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સૂચના આપવામાં આવેલ છે.


