વડોદરા જિલ્લાની ૧૭ વર્ષની પ્રતિભાશાળી ખેલાડી આસ્મા તાહીરાળી ઝાબુવાલા રમતગમત ક્ષેત્રે નવી સિદ્ધિ તરફ આગળ વધી રહી છે. આસ્મા પોતાની પ્રથમ એસ.જી.એફ.આઈ. (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઈ રહી છે, જ્યાં તે વેઇટલિફ્ટિંગમાં વડોદરા અને ગુજરાત બંનેનું પ્રતિનિધિત્વ કરશે.
પાવરલિફિંટગ અને વેઇટલિફિંટગ બંને જેવી કઠિન રમતોમાં સક્રિય આસ્માએ નાની વયે જ પોતાની પ્રતિભા, શિસ્ત અને અડગ મહેનતથી ઓળખ બનાવી છે. હાલ આસ્મા ધોરણ ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહી છે. અભ્યાસની કઠિનતા સાથે રમતગમતનું સંતુલન જાળવતાં તેણે શિસ્ત, ધ્યાન અને સમય વ્યવસ્થાપનનો ઉત્તમ દાખલો આપ્યો છે.
આસ્માએ જણાવ્યું હતું કે, સતત તાલીમ અને માનસિક ધીરજથી હું સ્ટેટ લેવલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ બની અને ક્લાસિક નેશનલ સબ-જુનિયર પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા.તેનું સ્વપ્ર ઓલિમ્પિક ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે.આસ્માની સફળતા વડોદરા અને ગુજરાતમાં યુવા ખેલાડીઓ, ખાસ કરીને યુવતીઓ, માટે પ્રેરણારૂપ બની છે .


