જામનગર-રાજકોટ હાઇ-વે પર અકસ્માત
ડમ્પરના ચાલકે કાવો મારતા બસ સાથે ટક્કર, તમામ ઘાયલોને ધ્રોલ હોસ્પિટલે ખસેડાયા, બેને ગંભીર ઇજા હોઇ જામનગર લઇ જવાયા
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ થી ઓખા તરફ જઈ રહેલી શિવ શક્તિ ટ્રાવેલ્સની ખાનગી બસ મુસાફરોને લઈને આજે સવારે સાત વાગ્યાના અરસામાં ધ્રોલ હાઇવે પરથી પસાર થઈ રહી હતી. જે દરમિયાન ધ્રોલ નજીક એક ડમ્પર ના ચાલકે કાવો મારતાં ડમ્પરની બસ સાથે ટક્કર થઈ ગઈ હતી, અને બસ રોડથી નીચે ઉતરીને પલટી મારીને આડે પડખે થઈ હતી. જેથી મુસાફરોમાં ભારે ચીસાચીસ થઈ ગઈ હતી.
જે અકસ્માતમાં બસની અંદર મુસાફરી કરી રહેલા મહિલાઓ અને બાળકો સહિતના ૧૭ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી. જે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે મુસાફરોને વધુ ઇજા થઈ હોવાથી અને ફેક્ચર થયા હોવાથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


