Flower Show Fails in Ahmedabad: અમદાવાદના શહેરીજનોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે પૂરી પાડીને સાચા અર્થમાં મેગા સિટી બનાવવાના બદલે ખોટા દેખાડા પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કરોડો રૂપિયાનું આંધણ કરી રહ્યા છે. કંઈક આવી જ દશા ફ્લાવર શોની થઈ છે. આ વખતનો 29 દિવસનો અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્લાવર શો જાણે કે ફ્લોપ રહ્યો હોય તેમ ગત વર્ષની તુલનાએ બે લાખ મુલાકાતી ઘટ્યાં છે. તંત્રએ દિવસો વધારી દીધા હોવા છતાં ફ્લાવર શોને લોકોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો.
ગત વર્ષની તુલનાએ AMCએ 2 કરોડ રૂપિયા વધુ ખર્ચ્યા
અમદાવાદ શહેરમાં આ વખતના ફ્લાવર શોના આયોજન માટે 17 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જે ગત વર્ષની તુલનાએ બે કરોડ રૂપિયા વધારે છે. સામાપક્ષે ગત વર્ષે 13 લાખ મુલાકાતીની સામે આ વખતે માત્ર 11 લાખ મુલાકાતી જ નોંધાયા છે. એટલે કે મુલાકાતીની સંખ્યામાં બે લાખનો ઘટાડો થયો છે.
ગત વર્ષનો ફ્લાવર શો 26મી જાન્યુઆરી સુધી જ યોજાયો હતો, આ વખતે ત્રણ દિવસ વધારીને 29મી જાન્યુઆરી સુધી આયોજન ચાલું રખાયું હતું. તો પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓથી બે છેડા ભેગા થયા નથી. શહેરમાં મહોત્સવોના આયોજન થવા જોઈએ. આવા કાર્યક્રમોમાં લોકો સહભાગી બને અને શહેરની આગવી ઓળખ ઊભી થાય તે બરાબર છે. પરંતુ ફ્લાવર શોના નામે કરાતો આડેધડ ખર્ચ બૌદ્ધિક વર્ગમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ કે આ વખતે 17 કરોડ રૂપિયાની અધધ રકમ તેના માટે વાપરી નાંખવામાં આવી છે. આવા અણધડ આયોજનને બ્રેક લગાવીને આ પૈસા લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે વાપરવાના બદલે શાસકોએ ઉલટાનું ફ્લાવર શોને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાની ભ્રામક વાતો દિવસો વધારતા પહેલાં ફેલાવી હતી.


હવે ફૂલછોડનું શું કરાશે?
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યાનુસાર, ફ્લાવર શોના સીઝનલ છોડને વિવિધ બગીચાઓ, સર્કલો, ટ્રાફિક આઈલેન્ડ્સ, સેન્ટ્રલ વર્જ, રોડ સાઈડ અને અન્ય મહત્વના સ્થળોએ રાખવામાં આવશે.


