સુરત પાલિકા સમિતિની શાળામાં ગુજરાતી માધ્યમમાં 563 શિક્ષકોની ઘટ સામે 168 વિદ્યા સહાયકોને નિમણૂક
Surat Education Committee : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક હજાર કરોડથી વધુનું બજેટ છે છતાં સમિતિના કાયમી શાસનાધિકારી અને 1500 શિક્ષકોની ઘટ સાથે ગાડું ગબડાવી રહી છે. શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ પુરવા સાથી શિક્ષક અને જ્ઞાન સહાયકનો સહારો લેવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ શિક્ષકોની ઘટ પૂરી થતી નથી. હાલમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવી છે. જોકે, ગુજરાતી માધ્યમમાં 565 શિક્ષકોની ઘટ છે તેની સામે માંડ 165 ની ભરતી કરવામાં આવી છે. જેના કારણે હજુ પણ અનેક શાળામાં એક શિક્ષકે એક કરતાં વધુ વર્ગ લેવાની ફરજ પડી રહી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે 5600 શિક્ષકોનું મહેકમ છે. પરંતુ એક હજાર કરોડથી વધુનું બજેટ ધરાવતી સમિતિના કાયમી શિક્ષકોની સંખ્યા 4100 ની આસપાસ છે અને તેમાંથી ઘણાં નજીકના દિવસોમાં નિવૃત્ત થવા પર છે. થોડા દિવસ પહેલાં ગુજરાતી સિવાયના અન્ય માધ્યમોમાં વિદ્યા સહાયક ભરતી મેળો કરાયો હતો. જેમાં ઉર્દૂ માધ્યમમાં સૌથી વધુ 153 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. જ્યારે હિન્દી માધ્યમમાં 48, મરાઠી માધ્યમમાં 45, અંગ્રેજી માધ્યમમાં 28, ઉડીયા માધ્યમમાં 13 વિદ્યા સહાયકો મળી 287 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી.
સુરત અને ગુજરાત માટે ગુજરાતી માધ્યમ અગત્યનું છે અને ગુજરાતી માધ્યમમાં 565 થી વધુ શિક્ષકોની ઘટ છે ત્યારે ગઈકાલે વિદ્યા સહાયક ભરતી મેળો કર્યો હતો જેમાં 165 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. તેમ છતાં હજી પણ 400 શિક્ષકોની ઘટ છે જેના કારણે હજી પણ સમિતિની અનેક સ્કુલ એવી છે કે જ્યાં એક શિક્ષકે એક કરતાં વધુ વર્ગ લેવા પડી રહ્યાં છે. શિક્ષણ સમિતિમાં સૌથી મોટી ભૂમિકા શાસનાધિકારીની હોય છે પરંતુ 10 હજાર કરોડનું બજેટ ધરાવતી સમિતિની શાળામાં કાયમી શાસનાધિકારી જ નથી. શિક્ષણ સાથે સંકળાયેલા શાસનાધિકારી અને ઉપ-શાસનાધિકારીની લાંબા સમયથી માંગ છે પરંતુ શાસકોની નિષ્ફળતાના કારણે આ ભરતી થતી નથી અને બે લાખ જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર થાય છે અને શિક્ષકો પર કાર્યભારણ વધી રહ્યું છે.