સરકારની ‘પાલક માતા પિતા’ યોજના અન્વયે એક વર્ષમાં 165 અરજીઓ મળી, જાણો શું છે યોજાના!
ગાંધીનગર, તા. 24 જુલાઇ 2019, બુધવાર
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પૈકી ‘પાલક માતા પિતા’ યોજના પણ ખૂબ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ સરકાર મા-બાપની ભૂમિકા ભજવી તેના આશ્રિતો માટે પાલકની ભૂમિકા ભજવે છે.
નોંધારાનો આધાર એવી સરકાર દ્વારા મા-બાપના અચાનક મૃત્યુ પ્રસંગે તેના પર આશ્રિત પરિવારના બાળકો નિરાશ્રિત ન બની જાય તે માટે રાજ્ય સરકાર પાલકની ભૂમિકા ભજવે છે.
મહિસાગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં આ યોજના અન્વયે 165 અરજીઓ મળી હતી તેમાંથી 164 અરજીઓ મંજૂર કરીને લાભાર્થીઓને રૂ. 37.74 લાખની સહાય ચુકવવામાં આવી હતી, તેમ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમારે વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું.
શું છે ‘પાલક માતા પિતા’ યોજના
બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા 0 થી 18 વર્ષની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર બાળકો માટે સરકારની પાલક માતા પિતા યોજનાનો લાભ મેળવી શકશે.