આણંદમાં 14 ઈંટોના ભઠ્ઠામાં 161 શકમંદોને રાઉન્ડઅપ કરી તપાસ
જિલ્લામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડવા
અમુક લોકોના રહેઠાણના પુરાવા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાઈ આવતા સઘન ચેકિંગ
આણંદ: આણંદ જિલ્લામાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા પોલીસે આજે ૧૪ ઈંટોના ભઠ્ઠાએ ૧૬૧ શકમંદોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ આદરી હતી.
આણંદ પાસેના બાકરોલ ગામની ઈન્દિરાકોલોનીમાં બુધવારે ૩૮ શકમંદોને રાઉન્ડઅપ કરાયા હતા. બાદમાં ગુરૂવારે પણ બાંગ્લાદેશના અનઅધિકૃત રીતે રહેતા શખ્સોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા કવાયત હાથ ધરાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક પેટલાદની આગેવાનીમાં આંકલાવ પોલીસની વિવિધ ટીમો બનાવી ૧૪ ઈંટોના ભઠ્ઠાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં અમુક લોકોના રહેઠાણના પુરાવા પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાઈ આવતા પુરતી સુરક્ષા વચ્ચે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ૧૬૧ શકમંદ શખ્સોને રાઉન્ડઅપ કરી તેમની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેમના આધારકાર્ડ, નાગરિકત્વના પુરાવાઓ, રેશનકાર્ડ, મોબાઈલની ટેકનિકલ તપાસ કરાઈ હતી.