Get The App

ગુજરાતમાં નમકનાં ઉત્પાદન પર પ્રતિ હેક્ટર 1600 નું કરભારણ, મીઠાનાં ઉત્પાદકોને ફટકો

Updated: May 12th, 2022

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં નમકનાં ઉત્પાદન પર પ્રતિ હેક્ટર 1600 નું કરભારણ, મીઠાનાં ઉત્પાદકોને ફટકો 1 - image


ઓરિસ્સામાં પ્રતિ હેક્ટર માત્ર રૂ. 16 અને મહારાષ્ટ્રમાં માત્ર રૂ. 22 : ગાંધીનાં ગુજરાતમાં મીઠાના અગરોની લીઝ રીન્યુ કરવામાં થતી ભારે કનડગત, લીઝ રીન્યુ કરાવવા માટે 10-10 વર્ષ સુધી કચેરીઓના ધક્કા

રાજકોટ, : વિશ્વરમાં નમક ઉત્પાદન ક્ષેત્રે ત્રીજા નંબરે રહેતા ભારતમાં વર્ષે 265 થી 300 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં ગુજરાત અવ્વલ નંબરે રહીને 220 લાખ ટનનું જંગી ઉત્પાદન કરી આપતું હોવા છતાં અને એમાંયે એકલાં સૌરાષ્ટ્ર કચ્છનો હિસ્સો 180 લાખ ટન હોવા છતાં ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના નમક ઉત્પાદકોને રાજય-કેન્દ્ર સરકાર જમીન લીઝ પટ્ટો મંજુર કરવાની પ્રક્રિયા અને અન્ય સરકારી આંટી ઘૂંટીઓની ખુબ જ કનડગત છે. આ માટે ઈન્ડિયન સોલ્ટ મેન્યુફેકચરિંગ એસોસિએશન 'ઈસ્મા' એ અવાર-નવાર રજુઆતો કરી છે. છતાં તેમાં વાત કોઈ કાને ધરતા નથી.

આઝાદી પહેલા આપણે નમક બાબતે પરાવલંબી હતા. આપણે યુનાઈટેડ કિંઝમ યુ.કે.થી નમકની આયાત કરતા હતા. પરંતુ હવે તો આપણે ઘર આંગણાની ઘરેલું અને ઔદ્યોૈગિક હેતુની માંગ સંતોષાઈ ગયા પછી પણ 100 લાખ મેટ્રિક ટન સુધી નમકની વિદેશમાં નિકાસ કરીએ છીએ. આ સોલ્ટ સેકટરમાં દેશના કુલ ઉત્પાદનમાં 90  ટકા સુધીનું ઉત્પાદન તો સૌરાષ્ટ્ર કચ્છ એકલાનું છે ! નમક ઉત્પાદનમાં 70.64 ટકા ઉત્પાદન મોટા ઉત્પાદકો મારફત અને 29.36 ટકા ઉત્પાદન વધુ ઉત્પાદકોનો હિસ્સો છે. દેશમાં 7.58  લાખ એકર જમીન પર નમક નિર્માણ થાય છે. આ ઉદ્યોગમાં 91711 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળે છે. 

દેશના 90 ટકા નમકનું ઉત્પાદન સૌરાષ્ટ્ર કચ્છના ઉત્પાદકો કરે છે. પરંતુ અહીં ઉત્પાદકોને સરકારી નિયમોની અંગ્રેજ કાલીન ' આંટી ઘૂંટી' થકવી નાખે છે. ત્પાદકોને સાત-સાત સરકારી વિભાગો પાસે ખોળો પાથરીને એનઓસી લેવાની ફરજ પડે છે અને જમીનની લીઝ દસ-દસ વર્ષ સુધી મંજુર થતી નથી! વર્ષો સુધી લીઝ અરજી મંજુર ન થાય અરે, તેનો હા કે ના માં સરકારી અધિકારીઓ જવાબ પણ આપતા નથી ! જો કચેરીમાં રૂબરૂ કોઈ રજુઆત કરવા જાય તો કાગળને ચકરાવે ચડાવવા ફલાણા ડિપાર્ટમેન્ટની મંજુરી લઈ આવો, એ લઈ આવે પછી ફરી નવી 'કવેરી' કાઢવામાં આવે કે હવે આ વિભાગ પાસે જાઓ શ્ અગાઉ લીઝ પટ્ટાની મુદ્દત દસ-દસ વર્ષની હતી, પરંતુ રાજય સરકારે નિયમ બદલીને ૩૦ વર્ષ કરી છે. સરકારે નિયમ કરી દીધો પરંતુ સરકારી અમલવારી તંત્રને આ નિર્ણય 'ચતો' નથી'!! કેટલીય લીઝ અરજી દસ-દસ વર્ષથી પેન્ડીગ હતી. આ 2002 થી પેન્ડીંગ અરજીઓને 2022 માં 2002 ની સાલથી મતલબ કે વીતેલી સાલથી મંજુર કરી એટલે ખરેખર તો 8-10 વર્ષની જ અવધિ બચે ! સરકારે તો 2017 થી 30 વર્ષનો નિયમ કર્યો છે તો 2002 થી શા માટે મંજુરી થાય ? 2017 થી 30 વર્ષ માટે કેમ નહીં ? એવો નમક ઉત્પાદકો સવાલ કરી રહ્યા છે. 

દેશમાં સૌથી વધુ મીઠું સૌરાષ્ટ્ર-કચ્છ(ગુજરાત) ઉત્પાદિત કરે અને નમક ઉત્પાદન કરતા સાત રાજયોમાં સૌથી વધુ ટેકસ (પાંચ ઓર્થોરિટિને) ભરે છે. ઓરિસ્સામાં પ્રતિ હેકટર ટેકસ ફકત રૂ. 16-15, મહારાષ્ટ્રમાં ફકત રૂ. 22 બંગાળમાં રૂ. 95.34 આંધ્ર પ્રદેશમાં પ્રતિ હેકટર રૂ. 150.67 રાજસ્થાનમાં રૂ. 247, તમિલનાડુંમા રૂ. 333.49 ટેકસ છે. જયારે આખા દેશમાં સૌરાષ્ટ્ર કચ્છ (ગુજરાત) માં પ્રતિ હેકટર ટેકસ રૂ. 1600 છે ! જે ગાંધીએ અંગ્રેજો સામે 'ના-કર' લડત ચલાવેલી એ ગાંધીના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં મીઠા પર જમીન ભાડું, જિલ્લા પંચાયત ટેકસ, એજયુકેશન એચ, લોકલ ફંડ ટેકસ, રોયલ્ટી જેવા અવનવા કરવેરા ઉત્પાદકો ચૂકવે છે. પરંતુ તેમાં રાહત આપવાની કે મીઠા ઉદ્યોગને મદદરૂપ થવાની સરકારને ઈચ્છા નથી. તે કેવી કમનશીબી છે. 

Tags :