અમરેલી પંથકની 16 વર્ષની મોડેલ પર કારમાં દુષ્કર્મ
રીબડાના શખ્સ સામે રાજકોટમાં ગુનો નોંધાયો : 10 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા થયા બાદ આરોપીએ તરૂણીને મળવા બોલાવી કારમાં જ્યુસ પીવા લઇ ગયા બાદ દુષ્કર્મ આચર્યું
રાજકોટ, : રાજકોટની હોટલમાં મિત્ર સાથે રહેતી મૂળ અમરેલી પંથકની 16 વર્ષની મોડેલને કારમાં ગોંડલ ચોકડી પાસે લઇ જઇ રીબડાના અમિત ખૂંટ નામના શખ્સે દુષ્કર્મ આચર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપી અમિત ખૂંટની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૂળ અમરેલી પંથકની 16 વર્ષની તરૂણી મોડેલીંગ ઉપરાંત શૂટિંગનું કામ કરે છે. તે રાજકોટમાં તેની મહિલા મિત્ર સાથે હોટલમાં રહે છે. તરૂણીનો આશરે દસેક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામમાં આરોપી અમિત ખૂંટ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતાં મિત્રતા થઇ હતી.
દરમિયાન ગઇકાલે આરોપી અમિતે તરૂણીને મળવા બોલાવતા તે તેની હોટલેથી રીક્ષામાં વિરાણી ચોક પાસે ગઇ હતી. જ્યાંથી આરોપી અમિત તેને પોતાની હેરિયર કારમાં બેસાડી લઇ ગયો હતો. જ્યાં બંનેએ જ્યુસ પીધા બાદ આરોપીએ કાર ગોંડલ ચોકડી પાસેના વિસ્તારમાં ચલાવી હતી અને એક સ્થળે કાર પાર્ક કરી આરોપીએ તરૂણીને હવસનો શિકાર બનાવી હતી. આ ઘટના બાદ તરૂણીએ આ મામલે આજે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ આર.જી. બારોટ સહિતના સ્ટાફે તેની ફરિયાદ પરથી અમિત ખૂંટ સામે ગુનો દાખલ કરી તરૂણીનું મેડીકલ ચેકઅપ કરાવવા સહિતની કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.