15 મા નાણાંપંચની ગ્રાન્ટ 1 સીટમાં ક્યાંક રૂા. 1 કરોડ ફાળવાઈ તો ક્યાંક 10 લાખ !
- ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય
- ગ્રાન્ટ ફાળવણીની અસમાનતા દૂર કરવાની વાત તો દૂર રહી પરંતુ સામાન્ય સભામાં બાબત પર શાસક પક્ષે ચર્ચા પણ ન થવા દીધી
જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને નોંઘણવદર બેઠક જિલ્લા પંચાયતના સભ્યએ ગઈ તા. ૮ એપ્રિલના રોજ ડીડીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત દ્વારા વિવિધ તાલુકાઓમાં વિકાસલક્ષી કામો માટે વર્ષ ૨૦૨૫-૨૬ના ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જિલ્લા પંચાયત નીચે ૪૦ જિલ્લા પંચાયત બેઠક અને ૧૦ તાલુકાનો સમાવેશ થાય છે. જેના માટે કુલ રૂા. ૧૦ કરોડ જેવું આયોજન થયેલ છે. પરંતુ કેટલાય તાલુકાઓને અન્યાય થયો છે. શું જિલ્લા પંચાયતનું આયોજન એક જ સીટમાં રૂા. ૧ કરોડ, બીજા તાલુકામાં રૂા. ૩ કરોડ જેવી રકમ ફાળવવાથી કેટલાક વિસ્તારને અન્યાય થયેલ છે. દરેક જિલ્લા પંચાયત સીટમાં રૂા. ૨૫ લાખ એવરેજ ફાળવવાના થતા હોય પરંતુ કેટલીક એવી જિલ્લા પંચાયત સીટો છે. જેમાં રૂા. ૧ કરોડ જેટલી માતબર રકમ સૂચવી દેવાઈ છે. કેટલીક જિલ્લા પંચાયત સીટમાં રૂા. ૧૦ લાખ જેટલી જ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. તો બીજી વખત જિ.પં.ના દરેક સભ્યો પાસેથી આયોજન મંગાવીને અસમાનતા દૂર કરવી જોઈએ.
કેટલાક ગામોમાં રૂા. 25 થી 30 લાખના કામો ફાળવાયા
પાલિતાણા તાલુકામાં જિલ્લા પંચાયતની ૪ સીટ છે. તેમાં એક સીટમાં રૂા. ૧૫ લાખ, બે સીટમાં રૂા. ૨૫.૨૫ લાખની ગ્રાન્ટ ફાળવાઈ છે તો અન્ય એક સીટમાં રૂા. ૧ કરોડ ૧૦ લાખ ફાળવી દેવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તો કેટલાક ગામોમાં જ રૂા. ૨૫થી ૩૦ લાખની રકમના કામો ફાળવાયાની ચર્ચા છે.