Get The App

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપમાં 64 બેઠકો માટે 1575 દાવેદારો 1 - image

'સેન્સ' પ્રક્રિયામાં ભરેલા નારિયેળ જેવી અસમંજસનો માહોલ : નિરીક્ષકોએ કાર્યકરોનો મિજાજ જાણ્યો, : બેઠક દીઠ 24-25 દાવેદારો : હવે નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે 

 જામનગર, : ગુજરાતની રાજનીતિમાં અવ્વલ ગણાતી ભારતીય જનતા પાર્ટીએ આગામી જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે કમર કસી લીધી છે. જેના પ્રારંભિક તબક્કે શહેર ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની 'સેન્સ' પ્રક્રિયા શિસ્તબદ્ધ છતાં ભરેલા નાળિયેર જેવા અસમંજસના માહોલમાં યોજવામાં આવી હતી. આ પ્રક્રિયામાં જોવા મળેલો ટિકિટવાંચ્છું કાર્યકરોનો જમાવડો આંતરિક હૂંસાતૂંસીનો પણ સંકેત આપી રહ્યો છે. કારણ કે, મહાપાલિકાના 16 વોર્ડની ફક્ત 64 બેઠકો માટે અધધ 1575 દાવેદારો ચૂંટણી લડવાની ઈચ્છા સાથે ભાજપ મોવડી મંડળ સમક્ષ જાહેરમાં આવ્યા હતા.

જામનગર મહાનગર પાલિકાના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપના કાર્યકરોમાં ગજબનું આકર્ષણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે કોઈ પણ પક્ષમાં આટલી મોટી સંખ્યામાં દાવેદારો હોવા તે આંતરિક જૂથવાદનું કારણ બની શકે છે, પરંતુ ભાજપમાં તેને 'લોકપ્રિયતા અને સંગઠનની મજબૂતી' તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે, દરેક બેઠક દીઠ આશરે 24થી 25 દાવેદારો મેદાને આવ્યા છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે જામનગરમાં ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે સ્પર્ધા છે. ભીડને નિયંત્રિત કરવા અને દરેક કાર્યકરને પૂરતો સમય આપવા માટે શહેર ભાજપ દ્વારા સમગ્ર પ્રક્રિયાને બે મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 1 થી 8 ના સંભવિત ઉમેદવારો અને કાર્યકરો માટે ફ્રેન્ડ્સ હોલ ખાતે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. જ્યારે વોર્ડ નંબર 9 થી 16 માટેની પ્રક્રિયા ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાઈ હતી. 

સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ નિરીક્ષકોએ વન-ટુ-વન મીટિંગ યોજી હતી. કાર્યકરોએ માત્ર પોતાની દાવેદારી જ નોંધાવી ન હતી, પરંતુ પોતાના વોર્ડની ભૌગોલિક સ્થિતિ, જ્ઞાાતિ સમીકરણો અને જનતાની અપેક્ષાઓ વિશે પણ નિરીક્ષકોને માહિતગાર કર્યા હતા. નિરીક્ષકોએ દરેક દાવેદારની શૈક્ષણિક લાયકાત, સંગઠનમાં તેમનું પ્રદાન અને લોકોમાં તેમની છબી કેવી છે તે અંગેની ઝીણવટભરી વિગતો નોંધી હતી. આગામી દિવસોમાં આ તમામ નામોનું પેનલ તૈયાર કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે.