વડોદરાના આજવા સરોવરમાંથી 1540 ક્યુસેક પાણી છોડાયું
Vadodara Ajwa Lake : વડોદરાના ઐતિહાસિક આજવા સરોવર અને તેના ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા આજવાની સપાટીમાં વધારો થઈ રહ્યો હતો. આજે સવારે આજવાની સપાટી 211.66 ફૂટ હતી. ગઈ રાત્રે સપાટી 211.72 ફૂટ હતી, એટલે થોડો સહેજ ઘટાડો થયો છે. હાલ આજવાના 62 દરવાજામાંથી 1,540 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આજવા સરોવરમાં છેલ્લા 24 કલાકમાં 31 મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ 769 મીમી થયો છે. ધન્સર વાવમાં 52 મીમી વરસાદ થતાં કુલ વરસાદનો આંક 875 મીમી થયો છે. પ્રતાપપુરામાં 43 મીમી વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ 827 મીમી નોંધાયો છે, જ્યારે હાલોલમાં 42 મીમી વરસાદ થતાં સિઝનનો કુલ વરસાદ 862 મીમી થઈ ગયો છે. આજવામાં પાણી ઠાલવતી આસોજ ફીડરનું લેવલ 0.26 ફૂટ નોંધાયું હતું. આજવાથી પાણીની આવક ચાલુ રહેતા વિશ્વામિત્રી નદીનું જળસ્તર આજે સવારે 11.91 ફૂટ થયું હતું. જ્યારે તેની ભયજનક સપાટી 26 ફૂટ છે. હાલ આજવાના 62 દરવાજામાંથી કુદરતી રીતે પાણીનો નિકાલ થઈ રહ્યો છે, એટલે પંપિંગ બંધ રાખવામાં આવ્યું છે.