શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું

- પિતૃ પક્ષના દિવસોમાં પણ મિલ્કત ખરીદી યથાવત
- ભાવનગર જિલ્લાની 13 સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડયુટી અને ફીની કુલ 6.12 કરોડની આવક
સામાન્ય રીતે સારા કે માંગલિક કાર્યો કે મિલ્કત ખરીદી ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ પિતૃઓના આ ૧૬ દિવસોમાં કરતા નથી પરંતુ હવે જાણે સમય બદલાયો હોય આ શ્રાદ્ધ પક્ષમાં પણ મિલ્કતોની રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ દિવસો જેવી જ રહેવા પામી છે અને સામાન્ય દિવસોની જેમ શ્રાદ્ધના દિવસોમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ માટે વકીલોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ભાવનગર શહેર તેમજ તાલુકાના સીટી વિસ્તારોમાં પણ મિલ્કતની ખરીદી નોંધપાત્ર રહેવા પામી હતી. જો કે, દસ્તાવેજની કામગીરી અગાઉ થયેથી નવરાત્રી કે દિવાળીના દિવસોમાં ગૃહ પ્રવેશનું મુહૂર્ત સાચવી શકાય તેવો પણ એક ટ્રેડ પ્રવર્ત્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લાની કુલ ૧૩ સબ રજિસ્ટ્રાર કચેરીઓના આંકડા પર નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં શ્રાદ્ધના વર્કિંગ ૯ દિવસ દરમિયાન દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા અંતર્ગત ૧૫૩૦ દસ્તાવેજ નોંધણી કરવામાં આવી છે જેમાંથી સરકારે સ્ટેમ્પ ડયુટીના ૫.૨૧ કરોડ તથા નોંધણી ફીના ૯૧.૪૦ લાખ સહિત કુલ ૬,૧૨,૩૮,૧૩૦ની આવક થવા પામી છે. ત્યારે આગામી નવરાત્રી દિવાળીમાં પણ મિલ્કતોના વ્યાપક સોદા થવાની સંભાવના બિલ્ડર લોબીમાં સેવાય રહી છે.