આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન
ગંભીરા બ્રિજ તૂટતા યુવાનોની રોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો
વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઉભી કરવા માંગ : ઉકેલ નહીં આવે તો કલેક્ટરની ઓફિસે ઘેરાવો કરવાની ચિમકી
આણંદ: આણંદ જિલ્લા અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ હવે આણંદ જિલ્લાના હજારો યુવકોને રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે. ઉમેટા બ્રિજ બંધ કરી દેતા હવે પાદરા જીઆઇડીસીમાં જવું ઓછા પગારમાં મુશ્કેલ બન્યું છે. ત્યારે આણંદ અને વડોદરા જિલ્લાના યુવકોએ ગંભીરા ખાતે એકત્ર થઈને વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઉભી કરવા માંગણી કરી હતી.
પાદરા જીઆઇડીસીમાં જવા માટે હવે કોઈ ટૂંકો રસ્તો ના હોવાથી આંકલાવ, બોરસદ તાલુકાના યુવાનોએ બે દિવસ પહેલા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. એક દિવસ અગાઉ ઉમેટા ખાતે ધરણા કરીને વિરોધ કર્યો હતો. ત્યારે આજે આણંદ અને વડોદરા જિલ્લાના અંદાજિત ૧૫૦૦થી વધુ યુવાનો ગંભીરા ચોકડી ખાતે ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવાની માંગ પણ કરી હતી. યુવકોએ જણાવ્યું હતું કે, હાલ પાદરા જીઆઇડીસીમાં જવા- આવવાનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. ઓછા પગારમાં પોસાય તેમ નથી. તેથી જીવનનિર્વાહ અને પરિવારનું જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સરકાર દ્વારા નવો પુલ બને તેટલા બે વર્ષના સમયગાળા સુધી નોકરિયાતોને રોજગારીનો પ્રશ્ન સતાવી રહ્યો છે.
ગંભીરા ચોકડી ખાતે ભેગા થયેલા યુવકોની માંગણી હતી કે, સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી પરિવહન ખૂબ જ સરળ બને અને યુવકોને ભાડા પાછળ વધુ પૈસા પણ ખર્ચવા ના પડે. જો થોડા દિવસોમાં તેમના પ્રશ્નનો નિવેડો નહીં આવે તો તમામ યુવકો એકત્ર થઈને આણંદ જિલ્લા કલેકટરની ઓફિસે ઘેરાવો પણ કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.