1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા

વડોદરાઃ મધ્ય ગુજરાત ઝોનની ફી રેગ્યુલેશન કમિટિએ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટે ફી નક્કી કરવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.જેના ભાગરુપે ૧૫૦૦ જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ રજૂ કર્યા છે.
અત્યાર સુધી સરકારે નક્કી કરેલી મર્યાદામાં ફી લેતી સ્કૂલોએ એફઆરસી સમક્ષ હાજર થઈને એફિડેવિટ જમા કરાવવાનું રહેતું હતું અને કમિટિ દ્વારા સ્કૂલોને બોલાવીને ઓર્ડર અપાતો હતો.તેની જગ્યાએ આ વર્ષથી સ્કૂલોએ ઓનલાઈન એફિડેવિટ જમા કરાવવાનું રહેશે.આ માટે સ્કૂલોને ૩૧ ઓકટોબર સુધીનો સમય અપાયો હતો.આ સમય મર્યાદા પૂરી થયા બાદ મધ્ય ગુજરાત ઝોનના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લાની સ્કૂલોએ ૧૫૦૦ જેટલા એફિડેવિટ ઓનલાઈન રજૂ કર્યા છે.સૂત્રોના કહેવા પ્રમાણે આ એફિડેવિટની આગામી દિવસોમાં ચકાસણી કરાશે અને એ પછી તેને ઓનલાઈન જ મંજૂરી આપવામાં આવશે.
સૂત્રોનું કહેવું છે કે, જે સ્કૂલોને સરકારની મર્યાદા કરતા વધારે ફી લેવાની છે તેમણે પહેલાની જેમ જ દરખાસ્તો રજૂ કરવાની રહેશે અને આ માટે તા.૫ નવેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

