સોગંદનામું તથા નોટરીના લખાણની સ્ટેમ્પ ડ્યુટીના દરમાં 150 ટકાનો વધારો
- દત્તક પત્ર તથા લગ્ન નોંધણી અને ભાગીદારી લેખને લગતા સ્ટેમ્પ ડ્યુટીના દરમાં પણ 100 ટકાનો વધારો
ગાંધીનગર, તા. 2 જુલાઇ 2019, મંગળવાર
નાણા મંત્રી નીતિન પટેલે વિધાનસભાગૃહમાં 2019-20 માટે સુધારેલું અંદાજપત્ર રજૂ કર્યું હતું જેમાં કરવેરાના સંદર્ભમાં કેટલીક મહત્વની દરખાસ્તો રજૂ કરી હતી.
સરકારની વિવિધ યોજનાઓ કે કામગીરીમાં અલગ અલગ રકમની સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવે છે. સ્થાવર મિલકતના લેખો, શહીદ લેખો ઉપર ટકાવારીના ધોરણે વસૂલવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી.
પરંતુ જે લેખો ઉપર રકમના દરે સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવે છે તેમાં 100 ટકા સુધીનો જંગી વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને સોગંદનામાં તથા નોટરીના લખાણમાં લેખો માટે હાલમાં સ્ટેમ્પ ડ્યુટીનો 20 રૂપિયા છે તે વર્ષ 2000થી અમલમાં છે તેમાં 150 ટકાનો વધારો થયો છે.
હવે 20 રૂપિયાના બદલે 50 રૂપિયા ની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે. આ જ રીતે લગ્ન નોંધણી તથા ભાગીદારી અને દત્તક પત્ર વગેરેને લગતા સ્ટેમ્પ ડયૂટીના દર 100 રૂપિયા છે તે વધારીને 200 રૂપિયા કરાયા છે.
ઉપરાંત તમામ ફિક્સ રકમ વાળા લેખો ઉપર સ્ટેમ્પ ડ્યુટી દર 100 રૂપિયાનો છે તેમાં વધારો કરીને રૂપિયા 300નો કરાયો છે. આ દરખાસ્તોને પગલે રાજ્યની વેરાકીય આવકમાં વાર્ષિક રૂ. 160 કરોડનો વધારો થશે.