કરમસદ આણંદ મનપા કચેરી બહાર 150થી વધુ લારી-પાથરણાંવાળાઓના ધરણાં- પ્રદર્શન
બસ સ્ટેન્ડ વિસ્તારની ટૂંકી ગલીમાંથી હટાવાતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું
વેન્ડર ઝોન, મનપામાં જગ્યા કે રોજગારી આપવા માંગ : રેલવે સ્ટેશન પાસેનો પ્લોટ રેલવે વિભાગ પાસેથી પરત લઈ સ્ટ્રીટ વેન્ડર્સને ફાળવવા માંગણી
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં છેલ્લા છ મહિનાથી સતત વિવાદમાં રહેલો ટુંકી ગલીના વેન્ડરોનો મુદ્દો પેચીદો બની રહ્યો છે. મનપા દ્વારા વારંવાર દબાણો ખસેડવામાં આવતા હતા પરંતુ, દબાણો પુનઃ સ્થાપિત થઈ જતા હતા. ત્યારે દબાણો ફરી ઉભા ન થાય માટે મનપાએ થોડા દિવસ અગાઉ ટુંકી ગલી વિસ્તારમાં ડામરનો રોડ બનાવી દીધો હતો. ટૂંકી ગલીના વેન્ડરો અને લારીવાળાએ આજે મહાનગરપાલિકામાં એકત્ર થઈને કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, સ્ટ્રીટ વેન્ડર અધિનિયમ-૨૦૧૪ હેઠળ વેન્ડરોને રોજગાર માટે જગ્યાની ફાળવણી અથવા તમામ વેન્ડરોને રોજગારી આપવામાં આવે તેવી માંગણી છે. શ્રાવણ મહિના સહિત દિવાળી સુધી તહેવારો હોવાથી વેન્ડરો પરિવારના ગુજરાન માટે મનપા દ્વારા વહેલી તકે જગ્યા ફાળવાય તે જરૂરી છે.
તત્કાલિન આણંદ પાલિકાએ નજીવા ભાડાએ રેલવે તંત્રને આણંદ રેલવે સ્ટેશન પાસે વિશાળ પ્લોટની જગ્યા પાર્કિંગ માટે ફાળવી હતી. બાદમાં ભાડાં કરાર માટે રજૂઆત થતા આણંદ પાલિકાની સભામાં રેલવેને પુનઃ જગ્યા ભાડે નહીં આપવાનો નિર્ણય કરી જગ્યા ખાલી કરવા રેલવે વિભાગને જાણ પણ કરાઈ હતી. આ અંગે વારંવાર રજૂઆત છતાં જગ્યા ખાલી નહીં કરી રેલવે વિભાગ દ્વારા હાલ પાર્કિંગની સુવિધા ઉભી કરી કોન્ટ્રાક્ટ આપીને વાહન ચાલકો પાસેથી પાર્કિંગના રૂપિયા વસૂલ કરાય છે. ત્યારે રેલવે પાસેથી આ જગ્યા પાછી લઈ લારીવાળાઓને ફાળવવામાં આવે તેવી પણ માંગણી કરાઈ છે.
- કચેરીમાં કામ અર્થે આવનારા અરજદારો માટે જ મુખ્ય દરવાજો અડધો ખોલાયો
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ૧૫૦થી વધુ લારી- ગલ્લાવાળાએ હલ્લાબોલ મચાવતા તણાવની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે આવેદનપત્ર આપવા માટે આવેલા લારી-ગલ્લાં અને પાથરણાવાળાઓ માટે મનપા કચેરીના દ્વાર બંધ કરી દેવાયા હતા. પોલીસે કચેરીમાં અન્ય કામ અર્થે આવતાં અરજદારો માટે મુખ્ય દ્વાર અડધો ખુલ્લો રાખ્યો હતો.
- પાંચ વ્યક્તિને આવેદનપત્ર આપવાની મંજૂરી
આવેદનપત્ર આપવા આવેલા વેન્ડર્સોએ ધરણા પર બેસી જઈ મનપા કચેરી બાનમાં લીધી હતી. કમિશનર મનપા કચેરીમાં આવ્યા બાદ લારી- પાથરણાવાળાઓની રજૂઆત સાંભળ્યા વગર ગાડીમાંથી ઉતરી ઓફિસમાં જતા રહ્યા હતા. ત્યારે રજૂઆત કર્તાઓએ હાય...હાય...ના નારા લગાવ્યા હતા. પોલીસે પાંચ વ્યક્તિઓને કમિશનર ઓફિસમાં જઈ આવેદનપત્ર આપવાની મંજૂરી આપી હતી.
- વેન્ડર કમિટીની બેઠકો મળે છે પરંતુ, પરિણામ મળતું નથી
તત્કાલિન આણંદ પાલિકા દ્વારા ભૂતકાળમાં લારીઓ- પાથરણાવાળાઓને ૭ પ્લોટ આપવાનો ઠરાવ કર્યો હોવાનું વેન્ટરો જણાવી રહ્યા છે. અગાઉ જૂના બસ સ્ટેશન પાછળ વેન્ડર ઝોન ઉભો કરી ૮૦ વેપારીને દીવાલ પર નંબર પાડી જગ્યા ફાળવાઈ હતી પરંતુ, સુવિધાના અભાવે આખરે જૂના બસ સ્ટેશન અને ટૂંકી ગલીમાં વેન્ડર્સને ખસેડયા હતા. આણંદ મનપાની રચના બાદ વેન્ડર કમિટીની ત્રણથી વધુ બેઠક મળી હતી પરંતુ, કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે છ વર્ષથી વેન્ડરોનો પ્રશ્ન જટિલ બન્યો છે.