Gujarat

કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં 15 એકમોને રૂપિયા 71 હજારનો દંડ કરાયો

By GS TEAM
21 Feb 20261 min read
કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં 15 એકમોને રૂપિયા 71 હજારનો દંડ કરાયો

- સ્વચ્છતાનો અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા

- આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય એકમો ખાતે તપાસણી ઝુંબેશ ચાલુ રહેશે, સ્વચ્છતા રાખવી, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તાકીદ

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ખાદ્ય એકમો ખાતે સ્વચ્છતાલક્ષી તપાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ તપાસણી દરમિયાન સ્વછતાનો અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા ૧૫ જેટલા એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. ૭૧,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ તપાસણી ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા એકમોમાં જય અંબે દાળવડા, જય જલારામ ખમણ હાઉસ, એ જે. ફૂડ જંક્શન, બોમ્બે સેન્ડવીચ, પટેલ સેન્ડવીચ, બ્રહ્માણી લાઈવ વેફર્સ, એવર ફ્રેશ સ્પેશિયલ, છાશ વાલા, હેપ્પી વાલી ફીલિંગ, ડોમિનોઝ પિઝા અને કચ્છી દાબેલી ખાતે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેને કારણે આ ખાદ્ય એકમો પાસેથી કુલ રૂપિયા ૫૯૦૦૦ અને પ્રકાશ મસાલા અને એવર ફ્રેશ બેકરી ખાતેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા કુલ રૂપિયા ૧૨,૦૦૦ મળીને શુક્રવારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કુલ ૧૫ જેટલા એકમો પાસેથી કુલ રૂપિયા ૭૧ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ખાદ્ય એકમો ખાતે તપાસણી ઝુંબેશ ચાલુ રહેશે, જેથી સ્વચ્છતા રાખવી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી છે.