દાધિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની કમાલ : પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી અને કેળાંના પાકમાં મહારત હાંસલ કરી
અમરેલી, : પરંપરાગત ખેતી છોડીને જ્યારે ખેડૂત નવતર પ્રયોગો અને પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક પદ્ધતિ અપનાવે છે, ત્યારે ધરતી માતા સોનું આપે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ગામના ખેડૂત હર્ષદભાઈ ભાલાળાએ આ વાત સાર્થક કરી બતાવી છે. છેલ્લા 7 વર્ષથી કેળાના પાકમાં તેમણે મહારત હાંસલ કરી છે.
તેમણે પોતાની 25 વીઘા જમીનમાં કેળાનું વાવેતર કર્યું છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને સતત દેખરેખને કારણે તેઓ પ્રતિ વીઘા દીઠ અંદાજે 600થી 900 મણ કેળાનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. બજારમાં ગુણવત્તાયુક્ત પાકની ભારે માંગને કારણે તેમને પ્રતિ વીઘા 2.50 લાખથી 3.50 લાખ સુધીની માતબર આવક થઈ રહી છે.
પ્રાકૃતિક ખેતીના પ્રતાપે કેળાના વૃક્ષોની ઉંચાઈ 15 થી 17 ફૂટ સુધી પહોંચી છે. થડની મજબૂતી નારિયેળનાં ઝાડ જેવી જોવા મળે છે. સામાન્ય રીતે કેળાની લૂમ હલકી હોય છે, પરંતુ અહીં દરેક છોડ પર 30 થી 55 કિલોગ્રામ સુધીની વજનદાર લૂમ જોવા મળે છે. એક વીઘામાં અંદાજે 700 જેટલા રોપાનું સુવ્યવસ્થિત વાવેતર કરવામાં આવ્યું છે. ખેતરમાંથી દરરોજ સરેરાશ 200 કિલોગ્રામ કેળાનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે. આ કેળા ખાસ કરીને સુરત અને અન્ય મહાનગરોમાં મોકલવામાં આવે છે. તેમની સફળતા જોઈ અન્ય ખેડૂતો પણ બાગાયતી પાકો તરફ વળ્યા છે.


