Get The App

ચાલુ ટેમ્પામાં ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ ઋત્વિક પટેલ સહિત 15 જુગાર રમતા ઝડપાયા

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
ચાલુ ટેમ્પામાં ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ ઋત્વિક પટેલ સહિત 15 જુગાર રમતા ઝડપાયા 1 - image


- ઉમરેઠ તાલુકાની લાલપુરા ચેકપોસ્ટ પાસે હરતો ફરતો જુગારનો અડ્ડો પકડાયો

- વડોદરાના સાવલીથી ટેમ્પો ઉમરેઠ તરફ આવી રહ્યો હતો : રોકડ સહિત રૂા. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત : ટેમ્પો ચાલક સહિત 16 વિરૂદ્ધ ગુનો

આણંદ : ઉમરેઠ તાલુકાની લાલપુરા ચેકપોસ્ટ નજીક ચાલુ ટેમ્પામાં જુગાર રમતા ૧૬ શખ્સોને ઉમરેઠ પોલીસે ઝડપી પાડી રૂપિયા ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ હરતા- ફરતા જુગારના અડ્ડામાં ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ ઋત્વિક પટેલ પણ ઝડપાયો હતો. ઝડપાયેલા શખ્સો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

વડોદરાના સાવલીથી નીકળી ઉમરેઠ તાલુકાના લાલપુરા થઈ ઉમરેઠ તરફ આવી રહેલા એક ટેમ્પાના પાછળના ભાગે કેટલાક શખ્સો એકત્ર થઈ જુગાર રમી રહ્યા હોવાની માહિતી ઉમરેઠ પોલીસને મળી હતી. જેથી ઉમરેઠ પોલીસની ટીમ લાલપુરા ચેકપોસ્ટ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન એક ટેમ્પો આવી ચડતા પોલીસે તેને અટકાવી પાછળના ભાગે તપાસ કરતાં ૧૫ શખ્સો જુગાર રમી રહેલ નજરે ચડયા હતા. પોલીસે ટેમ્પાના ચાલક સહિત ૧૬ શખ્સોની અટકાયત કરી હતી. 

પોલીસે ઝડપાયેલા શખ્સોની અંગજડતીમાંથી તેમજ દાવ પરથી મળી રોકડા રૂપિયા ૧૫,૩૦૦ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ૧૬ શખ્સો વિરુદ્ધ જુગારધારા  હેઠળ ગુનો નોંધ્યો હતો.

લાલપુરા ચેકપોસ્ટ નજીકથી ચાલુ આઇસર ટેમ્પામાં જુગાર રમી રહેલ ૧૫ શખ્સોને ઉમરેઠ પોલીસે ઝડપી પાડયા હતા જેમાં ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ ઋત્વિક પટેલ પણ જુગાર રમતા ઝડપાયા હોવાની વાતને લઈ સમગ્ર નગરમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હતો. નવાઈની વાત તો એ છે કે, કેટલાક રાજકીય મોટા માથાઓએ આ વાતમાં ઝૂકાવતા સૌપ્રથમ પોલીસે જુગારીઓના નામ સામે ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરાયા છે અને બાદમાં પોલીસ દ્વારા તમામ ૧૫ જુગારીઓના નામ સાથેની યાદી જાહેર કરવામાં આવી હતી.

ચાલુ ટેમ્પામાં કયા શખ્સો જુગાર રમતા ઝડપાયા ?

ભાવેશ ઉર્ફે નુરી રાવજીભાઈ પટેલ, વિપુલ પરસોત્તમભાઈ પટેલ, સિકંદર ઉર્ફે કેરી નુર મહંમદ વોહરા, અજીતસિંહ રંગીતસિંહ પુવાર, પ્રકાશભાઈ સોમાભાઈ ચાવડા, હાદક કનુભાઈ પટેલ, અજય ચંદ્રકુમાર મેઘા, આમીન ઈસ્માઈલભાઈ વ્હોરા, ઈરફાન ઉર્ફે અભો ગનીભાઈ વોહરા, ધવલ જયંતીભાઈ ભીલ, સંજય ગોવિંદભાઈ પટેલ, સંજય મણીલાલ રાણા, વસંત રાવજીભાઈ ઝાલા, મહેશભાઈ શાંતિલાલ પટેલ, ઋત્વિક વિપુલભાઈ પટેલ અને ઇમરાન હુસેન ભાઈ દિવાન (તમામ રહે. ઉમરેઠ)

Tags :