Get The App

લૂના કારણે રોજના ૧૫ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં જાય છે

સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ૩૦ બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
લૂના કારણે રોજના ૧૫ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં જાય છે 1 - image

વડોદરા,ઉનાળા દરમિયાન ધોમધખતા તાપના કારણે બાળકો, ઉંમર લાયક વ્યક્તિઓ ઝડપથી હિટ સ્ટ્રોકની અસર હેઠળ આવી જતી હોય છે. હિટ સ્ટ્રોક (લૂ)ના દર્દીઓ માટે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૃ કરવામાં આવ્યો છે. સયાજી  અને ગોત્રીમાં કુલ ૩૦  બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે.

ગરમીમાં હિટ સ્ટ્રોકના કારણે  શરીરમાં પાણી ઓછું થવાના કારણે અચાનક ચક્કર  આવવા, બેભાન થઇ જવું, અતિશય પરસેવો થવો તેમજ શરીરમાં ખેંચ આવવી કે ગભરામણની અસર કેટલાક લોકોને થતી હોય છે. કેટલાક કિસ્સામાં માત્ર આરામ કરવાથી અને ઓ.આર.એસ.ના સેવનથી રાહત મળતી હોય છે.  પરંતુ, જ્યારે હિટ સ્ટ્રોકની અસર વધારે  હોય છે. ત્યારે દર્દીઓને  હોસ્પિટલમાં દાખલ  પણ થવું પડે છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકનો ખાસ વોર્ડ શરૃ કરાયો છે. સયાજી હોસ્પિટલમાં ૨૦ દિવસથી  કાર્યરત વોર્ડમાં ૧૫ બેડ તથા ગોત્રીમાં પણ ૧૫ બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. સયાજી હોસ્પિટલમાં હજી સુધી એકપણ દર્દી સારવાર માટે દાખલ થયો નથી. પરંતુ, હિટ સ્ટ્રોકની અસર હેઠળના રોજના અંદાજે ૧૦ દર્દીઓ સારવાર માટે આવે છે. તેઓને દવા અને ઓ.આર.એસ. આપવામાં આવે છે. છેલ્લા ૧૫ દિવસ દરમિયાન ગોત્રી  હોસ્પિટલમાં બે દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે હિટ સ્ટ્રોક  જેવા લક્ષણો ધરાવતા રોજના પાંચ દર્દીઓ આવી રહ્યા છે.


સયાજી હોસ્પિટલમાં દર્દીઓ માટે ૫૦ કૂલર મૂકાયા

વડોદરા,


સયાજી  હોસ્પિટલમાં વોર્ડમાં સારવાર લેતા દર્દીઓને ગરમીમાં રાહત રહે તે માટે ૫૦ કૂલરની વ્યવસ્થા શરૃ કરાઇ છે. સર્જિકલ, ઓ.પી.ડી. તેમજ ઉપરના માળ પરના વોર્ડમાં જ્યાં ગરમી વધારે લાગતી હોય છે, ત્યાં  પણ કૂલર મૂકવામાં આવ્યા છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે ૫૦ કૂલર મૂકવામાં આવ્યા છે.