Gujarat

સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો

By GS TEAM
28 Feb 20261 min read
સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો

ગાંધીનગરના વાવોલ વિસ્તારનો બનાવ

વાહન અકસ્માતના બનાવ બાદ સમાધાન કરવા વખતે ખર્ચો આપવાના મુદ્દે બબાલ થઇ ઃ વાહનોને પણ નુકશાન પહોંચાડયું

ગાંધીનગર :  શહેરના વાવોલ વિસ્તારમાં આવેલા તરપોજ વાસમાં જૂના અકસ્માતની અદાવતમાં ૧૫ જેટલા શખ્સોના ટોળાએ એક પરિવાર પર લાકડીઓ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો. સમાધાન કરવા દરમિયાન ખર્ચો આપવાના મુદ્દે બબાલ થતાં હુમલો કરવામાં આવ્યો તેમાં લાકડી, ધોકા લઇને ફરી વળેલા આરોપીઓ દ્વારા ઘરની બહાર પડેલા બે ટુ વ્હિલર પણ તોડી નાખવામાં આવ્યા હતાં.

આ બનાવ ફરિયાદી કેશાજી ધુળાજી ઠાકોર સહિત તેમના પરિવારના સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફરિયાદ મુજબ, ગત ૨૬ ફેબ્આરીના રોજ વાવોલ કિર્તીધામ રોડ પર એક એક્ટિવા સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતના સમાધાન અને ખર્ચની બાબતે બોલાચાલી થયા બાદ, બીજા દિવસે સવારે બજરંગજી ઠાકોર, લાલજી ઠાકોર અને સાવન ઠાકોર સહિત ૧૫ શખ્સોનું ટોળું પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીના ઘરે ધસી આવ્યું હતું. હુમલાખોરોએ ફરિયાદીના ઘરની બહાર પડેલા એક્ટિવા અને બાઈકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડયું હતું. આરોપીઓએ લાકડીઓ અને ધોકાથી હુમલો કરતા ફરિયાદીને માથામાં પાંચ ટાંકા આવ્યા છે, જ્યારે તેમના પુત્ર રાકેશ અને ભાણા દશરથજીને હાથે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.