ગુજરાતના 15 લાખ શિક્ષકો બેરોજગાર થશેઃ નોકરી નહી મળે તો આંદોલન
સંવેદનશીલ સરકાર શિક્ષકોને રોજગારી આપે અથવા સ્કૂલોને આર્થિક પેકેજ આપે જેથી શિક્ષકોની નોકરી જળવાઇ રહે
સુરત,તા.25 જુલાઇ, 2020, શનિવાર
ફી નહિ વસૂલવાના આદેશના પગલે સૌથી મોટો ફટકો શિક્ષકો ને પડનાર હોવાથી આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અમને રોજગારી પુરી પાડો અથવા સ્કૂલોને આથક પેકેજ આપો તેથી અમને નોકરી મળે તેવી રજૂઆત કરી છે. ગુજરાતમાં ૧૫ લાખ શિક્ષકો બેરોજગાર થઇ જશે. તેથી સમસ્યાનું નિવારણ નહી આવે તો આંદોલનનો માર્ગ અપનાવાશે.
કોરોના ના કારણે સ્કૂલો માં ફી ને લઈને સંચાલકો અને વાલી ઓ વચ્ચે ચકમક તો ચાલતી જ હતી. ત્યાં સરકારે ફી નહીં વસૂલવાના આદેશ ના પગલે હવે શિક્ષકો મોટી સંખ્યામાં બેરોજગાર થવાની ભીતિ છે. ત્યારે આજે ખાનગી શાળા શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. તેમાં સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવાયું છે કે, અત્યારે ગુજરાતના ૧૫ લાખ કરતા વધુ શિક્ષકો ખાનગી સ્કૂલોમાં નોકરી કરીને પરિવારનું ભરણપોષણ કરતા હતા. કોરોનાકાળમાં સ્કૂલો બંધ હતી છતા નોકરી ચાલુ હોવાથી ગુજરાન ચાલતું હતું. પણ શિક્ષણ વિભાગે સ્કૂલોને ફી નહી લેવા આદેશ કરતા શિક્ષકો નોકરી-પગાર વગરના થઇ ગયા છે.
યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકો મજુરી કે અન્ય કામ કરી રોજગાર મેળવી શકે તેમ ન હોવાથી સંવેદનશીલ સરકાર તરીકે ગુજરાત સરકારે શિક્ષકોને રોજગારી પુરી પાડે. અથવા સ્કૂલોને આર્થિક પેકેજ આપે જેથી શિક્ષકોની નોકરીની સમસ્યાનો ઉકેલ આવી શકે. તેમજ જે સ્કૂલોએ શિક્ષકોને રોજગારી આપી છે તેમને ફી લેવાની છૂટ આપો. આ સમસ્યાનો ઝડપથી ઉકેલ નહી આવે તો શિક્ષકો અનિચ્છનીય પગલું ભરે તેવી શક્યતાઓ છે.
રાજકોટના એક પ્રિન્સિપાલે શાકભાજીની લારી ચાલું કરી છે. એક પ્રિન્સિપાલના દરજજની વ્યક્તિએ શાકભાજી વેચવું પડે તે એક સંવેદનશીલ સરકાર માટે કેટલું યોગ્ય છે ? તેવો પ્રશ્ન પણ કરાયો છે. તેમજ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહી આવે તો ગાંધીચીંધ્યા માર્ગે ધરણા આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.