Gujarat

વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળ્યો,બસ ડેપો પર થી 4 કિલો ગાંજા સાથે ઝારખંડનો પેડલર પકડાયો

By GS TEAM
23 May 20261 min read
વડોદરામાં 15 દિવસમાં 15 કિલો ગાંજો મળ્યો,બસ ડેપો પર થી 4 કિલો ગાંજા સાથે ઝારખંડનો પેડલર પકડાયો

વડોદરાઃ વડોદરા બસ ડેપો પરથી પોલીસે વધુ એક વખત ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે. સયાજીગંજ પોલીસે ચાર કિલો ગાંજા સાથે ઝારખંડના પેડલરને દબોચી લઇ રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી દેશી અને હાઇબ્રિડ ગાંજો મળી આવવાના કેસો બની રહ્યા છે.પોલીસે છેલ્લા એક મહિનામાં આ પ્રકારના ચાર કેસમાં રતલામના સપ્લાયર સહિત ચાર જણાને ઝડપી પાડયા છે.

ગયા સપ્તાહમાં પકડાયેલા રતલામનો સપ્લાયર મોહન નીનામા પણ ટ્રેનમાં ૧૦ કિલો ગાંજો લાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી.આવી જ રીતે આજે બસ ડેપો પરથી પકડાયેલો ડ્રગ્સ  પેડલર પણ ટ્રેનમાં જ ગાંજાની ડિલિવરી પહોંચાડતો હતો.

છાણી રેલવે સ્ટેશનેથી ગાંજાના થેલા લઇ ઉતરેલો પેડલર ભાવનગર જવા માટે વડોદરા એસટી ડેપો પર આવતાં જ સયાજીગંજ પોલીસે દબોચી લીધો હતો. પોલીસે તેના થેલામાંથી રૃ.૨ લાખ ઉપરાંતની કિંમતનો ચાર કિલો ગાંજો કબજે કર્યો હતો.

પીઆઇ સ્વપ્નિલ પંડયાએ પૂછપરછ કરતાં આરોપીનું નામ ઘનશ્યામ સિંઘ લક્ષ્મણસિંઘ ભોક્તા(પથેલ ગામ,ચતરા જિલ્લો, ઝારખંડ) હોવાનું ખૂલ્યું હતું અને ભાવનગરના રૃપા નામના એજન્ટને ગાંજો આપવા જઇ રહ્યો હોવાની માહિતી  બહાર આવી હતી.ડ્રગ પેડલરે અગાઉ પણ આવી રીતે ભાવનગરની બે ટ્રિપ મારી હતી.