Get The App

બિહારમાં રાજકોટના સોની વેપારીના રૂા. 22 કરોડનાં 15 કિલો સોનાની લૂંટ

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
બિહારમાં રાજકોટના સોની વેપારીના રૂા. 22 કરોડનાં 15 કિલો સોનાની લૂંટ 1 - image

કસ્મટમ અધિકારીઓના સ્વાંગમાં આવેલા લૂટારૂઓ થોડીવારમાં ઓપરેશન પાર પાડી ગયા : આટલું જંગી સોનું ટ્રેન રસ્તે કેમ મોકલાયું તે અંગે ઉઠતા સવાલ : લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર ચોરાઉ નીકળી

 રાજકોટ, : રાજકોટનાં પ્રહલાદ પ્લોટ શેરી નં. 6માં કેવી એન્ડ સન્સ નામની પેઢી ધરાવતા સુનીલભાઇ કિશોરભાઇ ફીચડીયાનું અંદાજે રૂા. 22 કરોડનું 15 કિલો સોનું બિહારની રાજધાની પટનાના દાનાપુર વિસ્તારમાં લૂંટાઇ ગયું છે. કસ્ટમ અધિકારીઓના સ્વાંગમાં આવેલા લૂંટારૂઓ ગણતરીના કલાકોમાં આ ઓપરેશન પાર પાડી ગયા હતા. લૂંટારૂઓને પકડવા માટે દાનાપુર પોલીસે એસઆઇટીની રચના કરી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ સુનીલભાઇ ફીચડીયાનાં બે માણસો મહેશ મામતોરા અને પ્રિન્સ રામપરીયા અમદાવાદથી સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં 15 કિલો સોનું લઇ બિહારના દાનાપુર પહોંચાડવા રવાના થયા હતા. બંને સોનાના દાગીના ભરેલી ત્રણ બેગ લઇ દાનાપુરના રેલવે સ્ટેશને ઉતરી ઓટો રિક્ષામાં બાકરગંજ તરફ જઇ રહ્યા હતા ત્યારે શનિવારે બપોરે પાંચથી સાત લૂંટારૂઓએ સૌથી પહેલાં તેમની રિક્ષા આંતરી હતી. 

થોડી વારમાં જ ત્યાં અન્ય લૂંટારૂઓ કાર અને બે બાઇક ઉપર પહોંચ્યાં હતા. કાર ઉપર પોલીસનું સ્ટીકર લગાડેલું હતું. લૂંટારૂઓએ સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યું હતું. તેમણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારીઓ તરીકે આપી સોનાના દાગીના ભરેલી ત્રણેય બેગ લઇ લીધી હતી. ત્યાર પછી પ્રિન્સ રામપરીયાને સ્થળ પર જ મુકી મહેશ મામતોરાને પોતાની કારમાં બેસાડી રવાના થઇ ગયા હતા. થોડે દૂર તેને પણ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં ખગૌલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. 

થોડીક વારની તપાસના અંતે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ચોરાઉ કાર મળી આવતાં કબજે લેવાઇ હતી. તેની સાથે એક બાઇક અને ખાલી બેગ પણ મળી આવ્યાં હતાં. ભોગ બનનારા બંને કર્મચારીઓએ પોલીસને જણાવ્યું કે લૂંટારૂઓ અસલી કસ્ટમ અધિકારીઓની જેમ વ્યવહાર કરી રહ્યા હતા, જેને કારણે તેમને શરૂઆતમાં તેમની ઉપર શંકા પણ ગઇ ન હતી. 

જાણ થતાં જ સુનીલભાઇ અને તેમના ભાઇ જીગ્નેશભાઇ દાનાપુર પહોંચી ગયા હતા. સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓની ઓળખ મેળવવાં તજવીજ શરૂ કરી છે. સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાનું સોનું આ રીતે ટ્રેનમાં કેમ મોકલાયું હતું. લૂંટારૂઓને કોણે ટીપ આપી હતી. લૂંટારૂઓએ રેલવે સ્ટેશનથી જ પીછો કર્યાની માહિતી પોલીસને મળી છે.  

સોનાના દાગીના ભરેલી બેગમાંથી GPS ઉખાડી ફેંકી દીધું

રાજકોટ, : સોનાના દાગીના ભરેલી બેગમાં GPS પણ લગાડેલું હતું. લૂંટારૂઓએ બેગ પોતાના કબજામાં લીધા બાદ સૌથી પહેલાં તેમાંથી GPS ઉખાડીને ફેંકી દીધું હતું. પૂર્વયોજિત કાવતરૂં રચી આ લૂંટ ચલાવવામાં આવ્યાનાં તારણ પર પોલીસ પહોંચી છે.