રાજકોટ: આજી ડેમની હરિયાળી ધરતી પર વૃક્ષારોપણ માટે 15 કરોડનું આંધણ થશે, રવિવારે ખાત મુહૂર્ત
રાજકોટ, તા. 01 ઓગસ્ટ 2020 શનિવાર
રાજકોટના આજી ડેમના આજુબાજુના વિસ્તારમાં દાયકાઓથી કુદરતી વનરાય તથા લીલાછમ વૃક્ષો અનુકૂળ હવામાનને કારણે આમ પણ ઉગતા રહ્યા છે. આ વિસ્તારમાં મહાપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જે પ્રોજેક્ટ તો આવકાર્ય છે પરંતુ પર્યાવરણના આ પ્રોજેક્ટના નામે પ્રજાની તીજોરીમાંથી શંકાસ્પદ રીતે કરોડો રૂપિયા ખર્ચા રહ્યા છે.
આશરે 50 હજાર વૃક્ષો તથા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા માટે રૂપિયા 15 કરોડનું અધધ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જે યોજનાનું આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇલેક્ટ્રોનિક ખાતમુહૂર્ત થશે આ કાર્યક્રમમાં પણ નેતાઓ કાર્યકરો જમા થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે અર્બન ફોરેસ્ટ અથવા તો શહેરી વિસ્તારમાં શહેરીની સાથે કૃત્રિમ વન ઊભું કરવાનો વિચાર વિશ્વભરમાં હાલની આબોહવાની સ્થિતિ મુજબ આવકાર્ય રહ્યો છે પરંતુ આવા કામમાં પણ રાજકોટ મહાપાલિકાએ માત્ર વૃક્ષારોપણ ઉપર ધ્યાન દેવાને બદલે એમપી થિયેટર સહિત ખર્ચ ઉમેરતા કુલ ખર્ચ કરોડો રૂપિયા વધી ગયો છે.