15.63 કરોડના હીરાનો 'બદલો' મારી સાળા અને તેના મિત્ર મારફતે વેચી દીધા
મુંબઈની કંપની માટે હીરા પોલીસ્ડ કરતી ફુલપાડા રોડની વ્રજ ડાયમંડમાં હીરાના ગ્રેડીંગની એન્ટ્રી કરતા જુગલ પટેલે સારા હીરા બદલી કાઢ્યા
બાદમાં ઊંચી ગુણવત્તાના હીરા સાળા ચિરાગ રેશમવાલાના મિત્ર રુચિત મહેતા મારફતે વેચી રૂ.8.37 કરોડ ત્રણ હિસ્સે વહેંચી દીધા હતા : કર્મચારી સહિત બે ની ધરપકડ
- મુંબઈની કંપની માટે હીરા પોલીસ્ડ કરતી ફુલપાડા રોડની વ્રજ ડાયમંડમાં હીરાના ગ્રેડીંગની એન્ટ્રી કરતા જુગલ પટેલે સારા હીરા બદલી કાઢ્યા
- બાદમાં ઊંચી ગુણવત્તાના હીરા સાળા ચિરાગ રેશમવાલાના મિત્ર રુચિત મહેતા મારફતે વેચી રૂ.8.37 કરોડ ત્રણ હિસ્સે વહેંચી દીધા હતા : કર્મચારી સહિત બે ની ધરપકડ
સુરત, : સુરતના કતારગામ ફુલપાડા રીડ ખાતે મુંબઈની કંપની માટે હીરા પોલીસ્ડ કરતી કંપનીમાં હીરાના ગ્રેડીંગની એન્ટ્રી કરતા કર્મચારીએ રૂ.15.63 કરોડના હીરાનો બદલો મારી નીચી ગુણવત્તાના હીરા મૂકી બાદમાં ઊંચી ગુણવત્તાના હીરા સાળા ના મિત્ર મારફતે વેચી રૂ.8.37 કરોડ ત્રણ હિસ્સે વહેંચી દીધા હતા.આ અંગે જાણ થતા હીરાની કંપનીના ભાગીદારે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.8.37 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવતા પોલીસે કર્મચારી અને હીરા વેચનારની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા જકાતનાકા આશીર્વાદ રો હાઉસ ઘર નં.40 માં રહેતા 52 વર્ષીય પ્રવિણભાઈ મનુભાઈ વઘાસીયા કતારગામ ફુલપાડા રોડ મહેતા પેટ્રોલ પંપ પાસે આસારાવાળા કંપાઉન્ડ ખાતે વ્રજ ડાયમંડના નામે ભાગીદારીમાં હીરા પોલીશ્ડ કરવાનું કામ કરે છે.મુંબઈ બાંદ્રા ઈસ્ટ બી.કે.ભારત બુર્સમાં આવેલી ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લી નું જ કામ કરતી કંપની વ્રજ ડાયમંડમાં આવતા રફ હીરાને વિવિધ પ્રોસેસ કરવા અહીં 100 થી વધુ કર્મચારી કામ કરે છે.તે મુજબ હીરા પોલીશ્ડ થયા બાદ તેની ગ્રેડીંગની એન્ટ્રી કંપનીના ચોથા માળે બેસતા ગૌતમભાઈ રાણા અને અશોકભાઈ ગલથરીયા કરીને તેના પેકેટ બદલી દરેક પેકેટ પર લોટ નંબર લખી પાંચમા માળે બેસતા જુગલ પટેલને જાતે જઈ આપે છે.જુગલ દરેક હીરાનું વજન કરી હીરાના ગ્રેડીંગની એન્ટ્રી કરે ત્યાર બાદ સ્ટોક રૂમમાં આપે પછી તેના ચલણ બનાવી મુંબઈ ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લી ને મોકલવામાં આવે છે.આ તમામ કાર્યવાહી માટે બનાવેલા સોફ્ટવેરમાં ગ્રેડીંગની એન્ટ્રીનું કામ કરતા દરેકને યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા છે.
દરમિયાન, ગત 17 માર્ચના રોજ ડી.નવીનચંદ્ર એક્ષ્પોર્ટ પ્રા.લી ના માલિક સમીરભાઈ મહેતાએ વ્રજ ડાયમંડે તૈયાર કરેલા હીરાના જીઆઈએ સર્ટિફિકેટમાં હીરામાં અગાઉ પણ નંબર છપાયા હોવાની જાણ કરતા સોફ્ટવેરમાં ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે 24 થી 27 ડિસેમ્બર 2022 દરમિયાન ચાર વખત એક જ પેકેટના હીરાનું ગ્રેડીંગ બદલવામાં આવ્યું હતું.આથી મેનેજર કાંતિભાઈ સીંગાળા, ધર્મેશભાઈ સાકરીયા અને હીરા ગ્રેડીંગની એન્ટ્રીનું કામ કરતા ગૌતમભાઈ રાણા, અશોકભાઈ ગલથરીયા અને જુગલ પટેલની પુછપરછ કરતા જુગલ પટેલે પોતે ગૌતમભાઈ રાણા અને અશોકભાઈ ગલથરીયાના યુઝરનેમ અને પાસવર્ડથી પોતાના કોમ્પ્યુટરમાં લોગઈન કરી 2 માર્ચ 2021 થી 17 માર્ચ 2023 દરમિયાન બે વર્ષના સમયગાળામાં રૂ.15,63,23,243 ના હીરાનો બદલો મારી રૂ.7,26,32,191ની કિંમતના નીચી ગુણવત્તાના હીરા મૂકી બાદમાં ઊંચી ગુણવત્તાના હીરા સાળા ચિરાગ રેશમવાલાના મિત્ર રુચિત મહેતા મારફતે વેચી રૂ.8,36,91,052 ત્રણ હિસ્સે વહેંચી દીધાની કબૂલાત કરી હતી.
આ હકીકતના આધારે પ્રવિણભાઈ વઘાસીયાએ ગતરોજ ક્રાઈમ બ્રાન્ચમાં જુગલ સુરેશભાઈ પટેલ ( રહે.ઘર નં.4/366, દુધારા શેરી, પોસ્ટ ઓફિસની સામે, બેગમપુરા, સુરત ), તેના સાળા ચિરાગ વિજયભાઈ રેશમવાલા ( રહે.ઘર નં.7/3914/એ, મલાડ શેરી, રૂઘનાથપુરા, સુરત ) અને તેના મિત્ર રુચિત રાજેશભાઈ મહેતા ( રહે.ફ્લેટ નં.204, આઠમો માળ, વિધિ એપાર્ટમેન્ટ, સંઘવી ટાવર, અડાજણ, સુરત ) વિરુદ્ધ ઉચાપતની ફરિયાદ નોંધાવતા પીઆઈ એસ.એન.પરમારે જુગલ પટેલ અને રુચિત મહેતાની ધરપકડ કરી તેમની પુછપરછ હાથ ધરી છે.