જિલ્લામાં 15,400 સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર, ખેડૂતોને વિતરણ શરૂ
- આજે પૃથ્વી દિન : 'સ્વસ્થ ધરા,ખેત હરા'
- તળાજા તાલુકામાં ખેડૂતોના સૌથી વધુ 2,698 કાર્ડ બન્યા
વર્તુળોના જણાવ્યા મુજબ સોઈલ હેલ્થ કાર્ડ એટલે ખેડૂતની જમીનની કુંડળી. જેના દ્વારા જમીનનો પ્રકાર, જમીનમાં તત્વોની લભ્યતા, જમીનની ફળદ્રુપતા અને જમીનમાં ખારાશ વગેરે વિશે માહિતી પ્રાપ્ત થાય છે. જમીનમાં લભ્ય પોષક તત્વોના પ્રમાણ પરથી પાકને જરૂરી પોષક તત્વો પૂરા પાડવાની જમીનની ક્ષમતાનો ખ્યાલ આવે છે. તેની મર્યાદામાં જમીનમાં કેટલા પોષક તત્વો ખાતર સ્વરૂપે આપવા તેનો ખ્યાલ આવે છે. ક્યા પાકમાં ક્યું ખાતર ક્યારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે.
સોઈલ હેલ્થ કાર્ડ એડવાઈઝરીમાં નોંધવામાં આવ્યું છે કે, વખતો વખત જમીનની ચકાસણીની પ્રક્રિયા થતી હોય જમીનની ફળદ્રુપતામાં સમયાંતરે થતા ફેરફારો પણ નજર આવતા તેની જાળવણીની કાર્યપ્રણાલી પણ ઘડી શકાય છે. ખાતરોના બિનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરવાની સલાહ આપીને સોઈલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ઉત્પાદ્દકતાને લાંબો સમય જાળવી શકાય છે.
ખૂબજ મહત્વની બાબત એ જમીનની ખારાશ છે. સોઈલ હેલ્થ કાર્ડ પરથી જમીનની ખારાશનો અંદાજ આવવાથી તે પ્રમાણે ખારાશ પ્રતિરોધક પાકો, પાકની જાતો તથા જમીન સુધારકોની ઉપયોગની વિગતો પણ ખેતર દીઠ આપી શકાય છે.
ઓર્ગેનિક કાર્બન જમીનની રચનાને સુધારવામાં મદદ કરે છે, તેની પાણી સંગ્રહ ક્ષમતા, વાયુ મિશ્રણ અને ફળદ્રુપતા વધારે છે. તે પોષક તત્વોના વાહક તરીકે કાર્ય કરે છે, છોડના વિકાસ માટે જરૂરિયાત મુજબ પોષક ત્વોને મુક્ત કરે છે. વિઘટન, રોગના દમન અને પોષક તત્વોની લભ્યતા વધારવામાં મદદ કરે છે. આબોહવા પરિવર્તન ઘટાડવામાં મદદ કરે છે.
આમ, સોઈલ હેલ્થ કાર્ડથી જમીનના સ્વાસ્થ્યની જાળવણીમાં મદદ મળે છે. આ માટે સૂત્ર છે, 'સ્વસ્થ ધરા, ખેત હરા'. આવતીકાલ તા. ૨૨ એપ્રિલના રોજ પૃથ્વી દિનની ઉજવણી થનાર છે ત્યારે જમીનની-માટીની તંદુરસ્તી જળવાય રહે તે પાયાની બાબત છે. સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરવા ખેતરોમાંથી પદ્ધતિસર રીતે માટીના નમૂના લેવામાં આવે છે. થોડા સમય અગાઉ ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના વિભિન્ન તાલુકાઓમાં ખેતરમાંથી માટીના નમૂના લેવામાં આવ્યા હતા. જેને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. તેના રિપોર્ટ સાથે સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આવા ૧૫,૪૦૦ સોઈલ હેલ્થ કાર્ડનું હાલ વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.