Ahmedabad News : રાજ્યમાં ચોરી, લૂંટ, મારામારીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના સરખેજમાં 14 વર્ષની સગીરાનું પાડોશી દંપતીએ અપહરણ કરીને રાજસ્થાન વેચી દીધી હતી. ત્યારબાદ રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવવાના નામે 5 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે સગીરાના માતા-પિતાને જાણ થતાં સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સરખેજ પોલીસે તપાસ કરીને બે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાનું અપહરણ કરીને વેચનારા ત્રણની ધરપકડ
મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરખેજમાંથી 29 એપ્રિલના રોજ 14 વર્ષની સગીરા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેના પાલક માતા-પિતાએ શોધખોળ કરી પરતુ તે મળી આવી ન હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા દંપતી ભરત ઠાકોર અને તેની પત્ની ભારતી ઘરેથી ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પાલક માતા-પિતાએ તપાસ કરતા પાડોશીએ દીકરીનું અપહરણ કરીને રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવી વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પરિવારે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ કરીને બનાસકાંઠા નજીકથી સગીરાને સલામત રીતે મુક્ત કરાવી હતી. જયારે સગીરાનું અપહરણ કરનારા ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર અને તેની પત્ની ભારતી ઠાકોર તેમજ ટીના ઠાકોરની ધરપકડ કરીને સગીરાને લગ્ન માટે વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
14 વર્ષની સગીરાને રૂ.5 લાખમાં વેચી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી દંપતી મૂળ મહેસાણાના રહેવાસી છે અને આરોપી ટીના ઠાકોર બનાસકાંઠાના ભાભોર જિલ્લાની વતની છે. આ ટોળકી સાથે અન્ય ચાર વોન્ટેડ આરોપી બનાસકાંઠાનો વનરાજ રાઠોડ, મેઘરાજ રાઠોડ, હીના રાઠોડ અને રાજસ્થાનના વીરસિંહ રાઠોડની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી સગીરાનું અપહરણ કરીને લગ્નના બહાને વેચી દેતા હતા. જેમાં સરખેજની 14 વર્ષની સગીરાને 5 લાખમાં વેચી હતી. આ સગીરાને લગ્નના બહાને એક રાત્રિ મોકલી અને પછી પરત લઈ આવ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા, પાડોશી જ નીકળ્યો હેવાન
આરોપીએ રાજસ્થાનના યુવક વીરસિંહ સાથે પૈસા લઈ ઠગાઈ કરી હતી. જોકે, પોલીસ પકડમાં આવેલા આરોપી દંપતી ભરત ઠાકોર અને ભારતી સિવાય અન્ય વચેટિયા હોવાનું ખુલાસો થતાં પોલીસે આ નેટવર્કને લઈને વધુ તપાસ શરૂ કરી છે. સગીરાને વેચી દેવાના નેટવર્કની તપાસ મામલે સરખેજ પોલીસે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરાર ચાર આરોપીની પકડવાની શોધખોળ હાથ ધરી છે. આ નેટવર્ક રાજસ્થાન અને ગુજરાત સુધી જ સીમિત છે કે અન્ય કોઈ રાજ્યોના લોકોને પણ ટાર્ગેટ બનાવ્યા છે કે કેમ, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


