નવ સભ્યોની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
જો કે મુખ્ય સૂત્રધાર પાસા હેઠળ વડોદરા જેલમાં, 4 સભ્યો વોન્ટેડ : દસ વર્ષથી બાટલી ગેંગના 57 જેટલા ગુના
રાજકોટ: રાજકોટમાં એક પછી એક ગુના આચરી શહેરની શાંતિ હણનાર ટોળકીઓ સામે ગુજસીટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ હેઠળ કાર્યવાહી કરવાનું પોલીસે જારી રાખ્યું છે. ક્રાઇમ બ્રાંચે આજેબાટલી તરીકે ઓળખાતી ગેંગનાં ૧૪ સભ્યો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી નવ સભ્યોની ધરપકડ કરી હતી. જો કે ગેંગનો મુખ્ય સૂત્રધાર જામનગર રોડ પરથી વાલ્મીકીવાડી-૩માં રહેતો સાવન ઉર્ફે લાલી સંજય વાઘેલા હાલ પાસા હેઠળ વડોદરાની જેલની હવા ખાઇ રહ્યો છે જ્યાંથી તેનો કબજો લેવામાં આવશે.
બાટલી ગેંગનાં ચાર સભ્યો હજુ હાથમાં નહીં આવતા તમામની ક્રાઇમ બ્રાંચે શોધખોળ જારી રાખી છે. શહેરમાં શેરીઓ, ગલીએ લુખ્ખાઓની ફૌજ ઉભી થઇ ગઇ છે. આમ, લુખ્ખાઓ છાશવારે ગંભીર ગુના આચરી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા કરે છે.
આવા લુખ્ખાઓ અને માથાભારે તત્વોને નાથવા માટે અગાઉ પોલીસ પાસે એક માત્ર પાસા જેવું હથિયાર હતું. જે હવે બુઠ્ઠું થઇ રહ્યું છે. પાસાની પણ કોઇ અસર થતી ન હોવાથી હવે પોલીસે ગુજસીટોક જેવા આકરા કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કર્યું છે. જેનું નેતૃત્વ ક્રાઇમ બ્રાંચે સંભાળ્યું છે. કારણ કે સ્થાનિક પોલીસ લુખ્ખાઓ અને માથાભારે તત્વોને નિયંત્રિત કરવામાં સરેઆમ નિષ્ફળ નિવડી છે.
આ સ્થિતિમાં ક્રાઇમ બ્રાંચે થોડા સમય પહેલા મંગળા રોડ પર જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કરી કાયદો-વ્યવસ્થાની સ્થિતિનાં ધજ્જીયા ઉડાવનાર પેંડા અને મુરગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યાર પછી બાટલી ગેંગ સામે ગુનો દાખલ કર્યો છે.
શહેરમાં ૨૦૧૬ની સાલથી લઇ ૨૦૨૫ સુધીમાં બાટલી ગેંગે ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ગેરકાયદે મંડળી રચી હુમલાઓ, ચોરી, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પર હુમલા, ધાકધમકી, ડ્રગ્સનું વેંચાણ જેવા ૩૦ ગુના આચરી પ્રજામાં તો ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. સાથોસાથ પોલીસ અને કાયદાને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
૨૦૧૬થી ૨૦૨૫ સુધીમાં બાટલી ગેંગે ગંભીર પ્રકારનાં ૩૦ અને દારૂ-જુગાર જેવા મળી ૫૭ ગુના આચર્યા હતાં. જેમાંથી ૩૦ ગંભીર ગુના ધ્યાને લઇ ક્રાઇમ બ્રાંચે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. તપાસ આ વખતે ક્રાઇમ બ્રાંચે પોતાની પાસે રાખવાને બદલે નોર્થ વિભાગનાં એસીપીને સોંપી છે. જેનાં દ્વારા બાટલી ગેંગના ધરપકડ કરાયેલા તમામ નવ સભ્યોનાં રિમાન્ડ માંગવામાં આવશે. એટલું જ નહીં ગુનાખોરી આચરી, એકત્રિત કરેલી મિલ્કતો પણ ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે.
જો કે ક્રાઇમ બ્રાંચે બાટલી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાથી લુખ્ખાગીરી, ગુંડાગીર્દી અને ગુનાખોરી અંકુશમાં આવી જશે તેમ માનીને ચાલશે તો તે ભૂલ ભરેલું હશે તેમ પણ જાણકારોનું કહેવું છે. કારણ કે શહેરમાં હજુ પણ સંખ્યાબંધ લુખ્ખાઓ અને માથાભારે તત્વો સક્રિય છે. જે જુદી-જુદી ગેંગો સામે ગુજસીટોક હેઠળની કાર્યવાહી છતાં સુધરવાનું નામ નથી લઇ રહ્યા અને છાશવારે એક પછી એક કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરે તેવા ગુના આચરી રહ્યા છે.
- ગુનાખોરી છોડો અગર તો શહેર, 60 લુખ્ખાઓ રડારમાં આવ્યા
રાજકોટ: ક્રાઇમ બ્રાંચમાં પોતાની ફરજ દરમિયાન ચાર ગેંગ સામે ગુજસીટોકનાં ગુનાની તપાસ કરનાર અને બાટલી ગેંગ સામે ગુજસીટોકની દરખાસ્ત તૈયાર કરનાર એસીપી ભરત બસિયાએ જણાવ્યું કે શહેરમાં છેલ્લા દસ વર્ષમાં બે કે તેથી વધુ ગંભીર પ્રકારનાં ગુના આચરનાર આરોપીઓ ગુજસીટોક હેઠળની કાર્યવાહી માટે ક્રાઇમ બ્રાંચનાં રડારમાં છે. આવા આરોપીઓએ હવે કાં તો ગુના છોડવા પડશે કાં તો શહેર. જો કે તેમણે કોઇ ચોક્કસ આંકડો તો જણાવ્યો નથી. પરંતુ કહે છે કે ૬૦ જેટલા લુખ્ખાઓ અને માથાભારે તત્વો ક્રાઇમ બ્રાંચની રડારમાં છે. જે જોતાં આગામી દિવસોમાં હજુ વધુ બે કે તેથી વધુ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી તોળાઇ રહી છે.
- બાટલી ગેંગના ધરપકડ કરાયેલા નવ સભ્યો
રાજકોટ: બાટલી ગેંગના જે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં સરફરાઝ ઉર્ફે ઇડો આરીફ કાદરી (રહે. નકલંકપરા શેરી નં. ૪, રૂખડિયાપરા), કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઈ પરમાર (રહે. વાલ્મીકીવાડી શેરી નં. ૨, જામનગર રોડ), સમીર ઉર્ફે ધમો બશીર શેખ (રહે. રૂખડિયાપરા શેરી નં. ૫), ઇશોભા રીજવાન દલ (રહે. હુડકો ક્વાર્ટર, જામનગર રોડ), મીરખાન રહીશખાન દલ (રહે. હુડકો ક્વાર્ટર, જામનગર રોડ), અસ્લમ ઉર્ફે સર્કિટ બશીર શેખ (રહે. રૂખડિયાપરા શેરી નં. ૫), સુલેમાન નિઝામ દલ (રહે. હુસેની ચોક-૬, જંગલેશ્વર), ઇરફાન ખમીશ ભાણુ (રહે. રૂખડિયાપરા શેરી નં. ૩) અને સાહીલ ઉર્ફે ભૂરો મુકેશ પાટડિયા (રહે. વાલ્મીકીવાડી, જામનગર )નો સમાવેશ થાય છે.


