કોણ કહે છે સિંહના ટોળા ન હોય... આ વીડિયોએ ખોટી પાડી કહેવત, 14 સિંહોની એકસાથે લટાર

Amreli News: ગીરનું જંગલ સિંહોનું સામ્રાજ્ય ગણાય છે, અને અહીં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાતને ફરી એકવાર સાબિત કરતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એકસાથે 14 સિંહ અને સિંહણનું મોટું ટોળું જોવા મળ્યું છે. આ દ્રશ્ય જોઈને 'સિંહના ટોળાં ન હોય' એવી જૂની કહેવત ખોટી ઠરી છે.
ધારી-બગસરા માર્ગ પર અદભૂત દ્વશ્ય કેમેરામાં કંડારાયુ
આ વાયરલ થયેલો વીડિયો ધારી અને બગસરાને જોડતા માર્ગ પરનો છે. હડકલાં હનુમાન નજીક શિકારની શોધમાં નીકળેલા સિંહ-સિંહણનો આ પરિવાર કેમેરામાં કેદ થયો હતો. વીડિયોમાં એકી સાથે આટલા બધા સિંહોને જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
વન વિભાગની દેખરેખ હેઠળ સિંહોની સંખ્યામાં વધારો
ધારી અને ગીરના આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર અને ગામડાંઓમાં સિંહો વારંવાર જોવા મળે છે. વન વિભાગની સીધી દેખરેખ અને સંરક્ષણ પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જે ગીરના જંગલ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. આ વાયરલ થયેલા વીડિયોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગીરના જંગલમાં સિંહોનું સામ્રાજ્ય કેટલું મજબૂત છે.

