રાજકોટ પંથકમાં 14 દીપડાનો વાસ, એઈમ્સ-પરાપીપળીયા નજીક ફરક્યો
ગીરમાં વધતા રિસોર્ટ્સ ફાર્મહાઉસ, પ્રાણીઓને નિવાસો ટૂંકા પડે છે : અગાઉ શહેરમાં તથા વાગુદડ વિસ્તારમાં પણ આ વન્યપ્રાણીએ ધામા નાંખ્યા હતા : વન વિભાગ દ્વારા પકડવા તજવીજ :ગ્રામજનોમાં ચિંતા
રાજકોટ, : ગીર જંગલમાં સરકારની છૂટછાટોના પગલે ફાર્મહાઉસ, રિસોર્ટ્સ સહિતના બાંધકામો સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ જંગલમાં સદીઓથી વસતા સિંહ,દીપડાં સહિતના પ્રાણીઓને જંગલ વિસ્તાર ટૂંકો પડી રહ્યો છે અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં આ વન્યપ્રાણીઓ વારંવાર દેખા દઈ રહ્યા છે. છેલ્લી ઈ.સ. 2023ની ગણત્રી મૂજબ રાજકોટ જિલ્લામાં 14 દીપડાંનો વાસ છે ત્યારે આજે રાજકોટ-જામનગર રોડ પર આવેલ એઈમ્સ અને પરાપીપળીયા ગામ આસપાસ દીપડો દેખાયાની ફરિયાદ બાદ તેના પંજાના નિશાન મળી આવ્યા છે.
રાજકોટ વન વિભાગના અધિકારી યુવરાજસિંહે જણાવ્યું કે દીપડાને પકડવા માટે પાંજરા મુકવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.લોકોને લેશમાત્ર ડરવાની જરૂર નથી પરંતુ,વનવગડા વિસ્તારમાં ફરતા જરૂરી સાવધાની રાખવા અપીલ કરી હતી. જ્યારે ગ્રામજનોએ,ખેડૂતોએ જણાવ્યું કે હાલ ખેતરમાં વાવણીની ,પાકની સીઝન ધમધોકાર ચાલી રહી છે ત્યારે દીપડો આવ્યાની વાતો ખેતમજુરો દિવસે પણ જતા ડરે છે. એઈમ્સ આવતા જતા લોકો પણ દીપડા અંગે ચિંતા વ્યક્ત કરે છે. આ પહેલા કાલાવડ રોડ પર વાગુદડ ઉદ્યાન પાસે કે જ્યાં હજારો માણસોની અવરજવર હોય છે ત્યાં દીપડો લાંબા સમય સુધી આંટા મારતો રહ્યો હતો. બાદમાં તે રાજકોટ શહેરમાં પણ આવી ચૂક્યો હતો તેમજ ભાવનગર રોડ પર પણ તે સીસીટીવીમાં કેદ થયો હતો. સૂત્રો અનુસાર દીપડો પચીસ કિ.મી.ના એરિયામાં ફરતો હોય છે પણ મોટાભાગે તે ઓછો નજરે પડે છે.