ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ૧૪.૧૪ લાખ પડાવી લીધા
આરોપી સામે અગાઉ પણ છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે
વડોદરા,ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ૧૪.૧૪ લાખ ટ્રાન્સફર કરી લેનાર ભેજાબાજ સામે સિટિ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભેજાબાજ સામે અગાઉ પણ સિટિ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
છાણી રોડ નવાયાર્ડ અહેમદ રઝાનગરમાં રહેતો મોહંમદ કાસીમભાઇ રીયાજુલહસનખાન પઠાણ કારેલીબાગ ખાતે આવેલી એક મોબાઇલ શોપમાં આઇ.ડી.એફ.સી. ફાઇનાન્સર તરીકે નોકરી કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારી પાસે અલગ- અલગ કંપનીના ૧૪ ક્રેડિટ કાર્ડ છે. મોબાઇલ શોપની દુકાનની બહાર સિક્યુરિટી તરીકે નોકરી કરતા મારા મિત્ર આસિફ શેખ થકી મારી ઓળખાણ આસિફશા નજુશા દિવાન સાથે થઇ હતી. વિશ્વાસના કારણે મેં આસિફશાને મારા ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. તેની સાથે ઘણીવાર ઇમાર ગુલામકાદર દિવાન પણ મારી પાસે કાર્ડ લેવા આવતો હતો. તેઓએ મારા ક્રેડિટ કાર્ડ પરથી ૧૪.૧૪ લાખ સ્વાઇપ કરીને લઇ લીધા હતા. સિટિ પોલીસે આસિફશા દિવાન (રહે. મદાર મહોલ્લો, વારસિયા) તથા ઇમરાન ગુલામકાદર દિવાન (રહે. યાકુતપુરા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.