mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અમદાવાદ પૂર્વમાં આવેલી ૧૩૮ વર્ષ જુની ખારીકટ કેનાલના રીડેવલપમેન્ટનો ખર્ચ ૬૫ કરોડથી ૧૨૦૦ કરોડે પહોંચી ગયો

ઓગસ્ટ-૨૦૧૦મા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા અંદાજીત ૬૫ કરોડના કેનાલ સમારકામના પ્રોજેકટને લીલી ઝંડી આપવામા આવી હતી

Updated: Nov 24th, 2022

અમદાવાદ પૂર્વમાં આવેલી ૧૩૮ વર્ષ જુની ખારીકટ કેનાલના રીડેવલપમેન્ટનો ખર્ચ ૬૫ કરોડથી ૧૨૦૦ કરોડે પહોંચી ગયો 1 - image


અમદાવાદ,ગુરુવાર,24 નવેમ્બર,2022

અમદાવાદ પૂર્વમાં આવેલી ૧૩૮ વર્ષ જુની ખારીકટ કેનાલના રીડેવલપમેન્ટનો ખર્ચ એક દાયકામા રુપિયા ૬૫ કરોડથી વધીને ૧૨૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે.ઓગસ્ટ-૨૦૧૦મા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા આ કેનાલના સમારકામ માટે રુપિયા ૬૫ કરોડના પાઈલોટ પ્રોજેકટને લીલી ઝંડી આપવામા આવી હતી.હાલમા ૧૨૦૦ કરોડના અંદાજીત ખર્ચ સાથે પાંચ ફેઝમા કેનાલના રીડેવલપમેન્ટની કામગીરી શરુ કરવામા આવી છે.

ઓગસ્ટ-૨૦૧૦માં જે સમયે હાલના વડાપ્રધાન દ્વારા ખારીકટ કેનાલના ૬૫ કરોડના પાઈલોટ પ્રોજેકટને ખુલ્લો મુકવામા આવ્યો હતો એ સમયે કેનાલના સમારકામ કરવાની સાથે કેનાલ સાથે જોડાયેલા  અલગ અલગ સ્થળે આઠ જેટલા નાના-મોટા પાર્ક અને ગાર્ડન બનાવવાનુ આયોજન જાહેર કરવામા આવ્યુ હતુ.વર્ષ-૨૦૧૧-૧૨ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક અંદાજપત્રમાં ખારીકટ કેનાલ માટે પાંચ કરોડની રકમની જોગવાઈ કરવામા આવી હતી.આ વર્ષમાં શહેરના પૂર્વ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ઝોનના વિસ્તારમાંથી પસાર થતી ૧૭ કિલોમીટર લંબાઈ ધરાવતીખારીકટ કેનાલથી ક્રોસ થતા તમામ ટી.પી.રસ્તાની પહોળાઈના પ્રમાણમાં કેનાલ ઉપર વાહન વ્યવહારની સરળતા માટે કેનાલબ્રીજ બનાવવાની પણ જાહેરાત મ્યુનિ.ના મંજુર કરવામા આવેલા બજેટમા જાહેરાત કરવામા આવી હતી.

ઉપરાંત ઈસનપુરથી વટવા તરફના રોડ ઉપર ગેબનશાહ પાસે તથા વસ્ત્રાલથી રબારી કોલોનીના રસ્તા ઉપર આવેલા કેનાલબ્રીજ તથા રાજેન્દ્રપાર્કથી અર્બુદાનગર જતા રસ્તા ઉપર આવેલા કેનાલ ઉપરના કેનાલબ્રીજને પહોળા કરવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.વર્ષ-૨૦૧૨-૧૩ના મંજુર કરવામા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક અંદાજપત્રમા ખારીકટ કેનાલને સમાંતર આવેલા મ્યુનિ.ના સર્વિસ રોડ, ટી.પી.રસ્તાને દબાણમુકત કરી વોલ ટુ વોલ રીસરફેસ કરવા તથા ફુટપાથ તથા ડેકોરેટીવ સ્ટ્રીટલાઈટ નાંખવા રુપિયા ત્રણ કરોડની જોગવાઈ કરવામા આવી હતી.

ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ માટે રુપિયા ૪૫૧ કરોડના પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજુરી અપાઈ હતી

વર્ષ-૨૦૧૮મા રાજય સરકાર દ્વારા ખારીકટ કેનાલને કવર કરી ૨૧ કિલોમીટરનો સિકસલેન રોડ બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રુપિયા ૪૫૧ કરોડના બે પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજુરી આપવામા આવી હતી.આ પ્રોજેકટ હેઠળ ફેઝ-વનમાં ૩૪૬ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો હતો.નરોડાથી એકસપ્રેસ વે અને એકસપ્રેસ વેથી રીંગ રોડ સુધીના સ્ટ્રેચનો પણ વિકાસ કરવાનુ આ પ્રોજેકટ હેઠળ આયોજન કરવામા આવ્યુ હતુ.

ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ માટે કયારે કેટલા કરોડની જાહેરાત?

વર્ષ    અંદાજીત ખર્ચની રકમ(કરોડમાં)

૨૦૧૦     ૬૫

૨૦૧૧     ૦૫

૨૦૧૨    ૦૩

૨૦૧૮    ૪૫૧

૨૦૨૨   ૧૨૦૦

Gujarat