Get The App

MSU ગર્લ્સ હોસ્ટેલની મેસ શરુ થયાના પહેલા જ દિવસે 135 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
MSU ગર્લ્સ હોસ્ટેલની મેસ શરુ થયાના પહેલા જ દિવસે 135 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત ગર્લ્સ હોસ્ટેલની મેસમાં જમનાર  વિદ્યાર્થિનીઓને મંગળવારની રાત્રે ફૂડ પોઈઝનિંગ થતા હોસ્ટેલ કેમ્પસમાં અફરા તફરી મચી ગઈ હતી.લગભગ ૧૩૫  વિદ્યાર્થિનીઓને મધરાતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

મળતી વિગતો પ્રમાણે ગર્લ્સ હોસ્ટેલમાં ચાર હોલ છે અને તેમાં ૨૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ રહે છે.ચાર હોલમાં ચાર મેસ છે પરંતુ તેનો કોન્ટ્રાકટ છેલ્લા બે વર્ષથી  શિલ્પા હોસ્પિટાલિટી નામથી મેસ ચલાવતા બાલા શેટ્ટી નામના કોન્ટ્રાકટરને જ મળી રહ્યો છે.આ વર્ષે પણ તેને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.કોન્ટ્રાક્ટર દ્વારા તા.૮ જુલાઈ, મંગળવારથી હોસ્ટેલમાં એસડી હોલની એક મેસ ચાલુ કરવામાં આવી છે.

પહેલા જ દિવસે લગભગ ૩૫૦ જેટલી વિદ્યાર્થિનીઓએ મેસમાં મંગળવારની રાત્રે આઠ થી નવની વચ્ચે દાળ, ભાત, પનીરની સબ્જી, રોટલી અને ખીરનું ભોજન કર્યું હતું.રાત્રે ૧૧ વાગ્યાથી વિદ્યાર્થિનીઓની તબિયત લથડવા માંડી હતી.વિદ્યાર્થિનીઓને પેટમાં દુખાવા સાથે ઉલટીઓ અને લૂઝ મોશન શરુ થયા હતા.રાત્રે એક વાગ્યા સુધીમાં તો ગર્લ્સ હોસ્ટેલમાં  ભારે દોડધામ મચી ગઈ હતી.

વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, ચીફ વોર્ડન સહિતના અધિકારીઓ પણ સયાજી હોસ્પિટલ પર પહોંચ્યા હતા.મેસ કોન્ટ્રાકટરે હલકી ગુણવત્તાવાળા પનીર કે દૂધનો ઉપયોગ કર્યો હોવાના કારણે વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું અનુમાન છે.

સવારે મોટાભાગની વિદ્યાર્થિનીઓની તબિયત સુધારા પર હોવાનું તબીબોએ કહ્યું હતુ અને ૧૦ વાગ્યા બાદ વિદ્યાર્થિનીઓને રજા આપવાનું પણ શરુ કરવામાં આવ્યું હતું.જોકે કેટલીક વિદ્યાર્થિનીઓને  કલાકો પછી પણ  હોસ્પિટલના બેડમાંથી  નીચે ઉતરી શકે તેવી સ્થિતિમાં નહોતી.વિદ્યાર્થિનીઓના વાલીઓ પણ આ ઘટના બન્યા બાદ  વડોદરા દોડી આવ્યા હતા.

એક બેડ પર બે- બે વિદ્યાર્થિનીઓને સુવાડીને સારવાર આપવામાં આવી

સયાજી હોસ્પિટલમાં જ તમામ વિદ્યાર્થિનીઓને સારવાર આપવાના આગ્રહથી બેડ ખૂટયા 

ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલી સેંકડો વિદ્યાર્થિનીઓેને એક સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા અફરા તફરી સર્જાઈ હતી.વિદ્યાર્થિનીઓને મધરાતે હોસ્ટેલથી હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ, રીક્ષાઓ, કાર એમ હાથમાં આવ્યું તે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના ડોકટરોએ કહ્યું હતું કે, શરુઆતમાં જ જો કેટલીક વિદ્યાર્થિનીઓને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોત તો વિદ્યાર્થિનીઓને તકલીફ ઓછી પડત. વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવે તેવો આગ્રહ વિદ્યાર્થિનીઓની સાથે આવેલા લોકોએ રાખ્યો હોવાથી હોસ્પિટલમાં એક તબક્કે સ્ટ્રેચર પણ ખૂટયા હતા.ઉપરાંત એક બેડ પર બે-બે વિદ્યાર્થિનીઓને સુવાડીને સારવાર આપવાનો વારો આવ્યો હતો.૧૨૫ પૈકી માત્ર ચાર જ વિદ્યાર્થિનીઓને સારવાર માટે ગોત્રી લઈ જવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલમાં અલગ અલગ પાંચ વોર્ડમાં વિદ્યાર્થિનીઓને સારવાર માટે દાખલ કરાઈ હતી.


Tags :