Get The App

180 અધ્યાપકોના પ્રમોશનના કારણે પીએચડી સ્ટુડન્ટસ માટે 130 બેઠકો વધી

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
180 અધ્યાપકોના પ્રમોશનના કારણે  પીએચડી સ્ટુડન્ટસ માટે 130 બેઠકો વધી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં આખરે આઠ વર્ષ બાદ ૧૮૦ અધ્યાપકોને બઢતી મળી છે.જેના કારણે રિસર્ચ પ્રવૃત્તિને વેગ મળશે તેવી આશા હવે રખાઈ રહી છે.

મળતી વિગતો પ્રમાણે જે અધ્યાપકોને બઢતી મળી છે તેમાં ૩૩ અધ્યાપકો હવે આસિસ્ટન્ટ પ્રોફેસરથી એસોસિએટ પ્રોફેસર બન્યા છે.જ્યારે ૩૨ અધ્યાપકોને એસોસિએટ પ્રોફેસરથી પ્રોફેસરની બઢતી મળી છે.જેના કારણે પીએચડી સ્ટુડન્ટસ માટે વધારાની ૧૩૦ જગ્યાઓ ઉભી થઈ છે.

કારણકે આસિસ્ટન્ટ પ્રોફેસર ચાર પીએચડી સ્ટુડન્ટસને ગાઈડ કરી શકે છે અને એસોસિએટ પ્રોફેસર ૬ સ્ટુડન્ટસને ગાઈડ કરી શકે છે.આ જ રીતે પ્રોફેસર ૮ પીએચડી સ્ટુડન્ટસના ગાઈડ તરીકે કામ કરી શકે છે.આમ બઢતી મેળવનારા ૬૫ અધ્યાપકો વધારાના બે-બે પીએચડી સ્ટુડન્ટસના ગાઈડ તરીકે ફરજ બજાવી શકશે.

યુનિવર્સિટીમાં હાલના તબક્કે પીએચડી  માટે કુલ કેટલી જગ્યાઓ છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી પરંતુ આ આંકડો ૬૦૦ની આસપાસ હોવાનું અનુમાન થઈ રહ્યું છે.આમ તેમાં બીજી ૧૩૦ જગ્યાઓનો ઉમેરો થશે.તેની સાથે સાથે પ્રોફેસરની ખાલી પડેલી જગ્યાઓ પણ ભરાવાના કારણે આગામી નેક(નેશનલ એસેસેમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)  રેન્કિંગમાં તેમજ એનઆઈઆરએફ ( નેશનલ ઈન્સ્ટિટયુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક)રેન્કિંગમાં યુનિવર્સિટીને થોડો ઘણો ફાયદો થશે.

એજ્યુકેશન ફેકલ્ટીના અધ્યાપકે વીસીને પત્ર લખ્યો 

અગાઉના વીસીના કાર્યકાળમાં થયેલી નિમણૂંકોની ફરી સમીક્ષા કરવામાં આવે

એમ.એસ.યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠકે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને પત્ર લખીને અગાઉના વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં ડીન, હેડ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જે સભ્યોની નિમણૂક થઈ છે તેની પુનઃ સમીક્ષા કરવાની માગ કરી છે.

પ્રો.પાઠકે અધ્યાપકોના પ્રમોશનની કામગીરીને આવકારીને કહ્યું છે કે, ડો.શ્રીવાસ્તવના કાર્યકાળમાં કેટલાક અયોગ્ય અને બિનકાર્યક્ષમ વ્યક્તિઓને હેડ, ડીન કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય બનાવી દેવાયા હતા.આ નિમણૂકોની તપાસ તટસ્થ કમિટિ દ્વારા કરવામાં આવે અને જરુર ડે તો તેમને હોદ્દાઓ પરથી દૂર કરીને નવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે.કારણક ડો.શ્રીવાસ્તવે પોતાની ખુશામતખોરી કરે તેવા વ્યક્તિઓની નિમણૂક કરી હતી અને આવા લોકોના કારણે યુનિ.નું તંત્ર આજે ખાડે ગયું છે.

Tags :