Get The App

નડિયાદ મનપામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા : કુલ ૫૨ બેઠક પૈકી 26 બેઠકો મહિલાઓ માટે અનામત

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદ મનપામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા : કુલ ૫૨ બેઠક પૈકી 26 બેઠકો મહિલાઓ માટે અનામત 1 - image

- મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને બેઠકોની ફાળવણીનો આખરી આદેશ જાહેર

- 22 સપ્ટેમ્બરના પ્રાથમિક આદેશમાં કોઈ સુધારો ન કરાયો, 13 વોર્ડમાં એસસી માટે 3 અને પછાત વર્ગ માટે 14 બેઠકો ફાળવાઈ

નડિયાદ : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર કરી દીધો છે. આ આદેશ વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીના આખરી પ્રકાશિત થયેલા આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આયોગના અગાઉના ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ના પ્રાથમિક આદેશમાં કોઈપણ પ્રકારનો સુધારો કર્યા વિના તેને જ આખરી ગણવામાં આવ્યો છે. આ આદેશની બહોળી પ્રસિદ્ધિ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટને તથા નગરપાલિકા કમિશનરને કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન નિયમો, ૧૯૯૪ની જોગવાઈઓ હેઠળ આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આયોગ દ્વારા પ્રાથમિક આદેશ બાદ જાહેર જનતા પાસેથી મળેલા સૂચનો અને ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ માન્ય રાજકીય પક્ષો સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નડિયાદ મહાનગરપાલિકામાં કુલ ૧૩ વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કુલ ૫૨ બેઠકોની રચના કરવામાં આવી છે. 

નડિયાદ મહાનગરપાલિકાની કુલ ૫૨ બેઠકો પૈકી અનામત બેઠકોની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ (એસસી) માટે ૩ બેઠકો, અનુસૂચિત જનજાતિ (એસટી) માટે ૧ બેઠક અને પછાત વર્ગ માટે ૧૪ બેઠકો અનામત રાખવામાં આવી છે. બાકીની ૩૪ બેઠકો બિન-અનામત જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, મહિલાઓ માટે કુલ ૨૬ બેઠકો અનામત રાખવામાં આવી છે, જેમાં અનુસૂચિત જાતિ સ્ત્રી માટે ૧ બેઠક, પછાત વર્ગ સ્ત્રી માટે ૭ બેઠકો અને સામાન્ય સ્ત્રી માટે ૧૮ બેઠકોનો સમાવેશ થાય છે. 

અનુસૂચિત જનજાતિ સ્ત્રી માટે કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી. ખાસ ક્રમાંક અને વસતીની ટકાવારીના આધારે બેઠકોની વોર્ડવાર ફાળવણી પણ નિશ્ચિત કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ માટે વોર્ડ નંબર ૧ અને ૮માં સામાન્ય બેઠકો તથા વોર્ડ નંબર ૫માં સ્ત્રી બેઠક ફાળવાઈ છે. અનુસૂચિત જનજાતિ માટે એકમાત્ર બેઠક વોર્ડ નંબર ૪માં ફાળવવામાં આવી છે. પછાત વર્ગ માટે વોર્ડ નંબર ૨, ૫, ૬, ૧૦, ૩, ૯ અને ૧૧માં સામાન્ય બેઠકો જ્યારે વોર્ડ નંબર ૨, ૮, ૯, ૧૩, ૪, ૧૨ અને ૧માં સ્ત્રી અનામત બેઠકો ફાળવવામાં આવી છે.