દસક્રોઈમાં સૌથી વધુ વાહનો સીઝ કરાયા
સનાથલ, બોપલ, શીલજ અને વૈષ્ણોદેવી સર્કલ પાસેથી પાંચ ડમ્પર કબજે કરાયા ઃ કુલ ૪.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
બગોદરા - અમદાવાદ જિલ્લામાં ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે ખાણ-ખનીજ વિભાગ દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બગોદરા સહિત જિલ્લાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન કુલ ૧૩ વાહનો ઝડપી પાડયા હતા. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે ૪.૫૦ કરોડની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા સાબરમતી નદીપટ્ટને જોડતા સરોડા, મહીજડા, નવાપુરા અને પાલડી કાંકજ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી ૩ ડમ્પર ઝડપાયા હતા. આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે સનાથલ, બોપલ, શીલજ અને વૈષ્ણોદેવી સર્કલ પાસેથી વધુ ૫ ડમ્પર વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી.
સૌથી પ્રભાવશાળી કામગીરી દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામ વિસ્તારમાં જોવા મળી હતી. અહીં સાદી રેતીના બિનઅધિકૃત સંગ્રહ અને હેરાફેરીમાં સંડોવાયેલા ૨ લોડર અને ૩ ડમ્પરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા તમામ વાહનો અને મશીનરીને જપ્ત કરી ખાણ-ખનીજ ધારા હેઠળ કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.


