મહી નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડતા 13નાં કરૂણ મોત
- મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફના માર્ગને જોડતો પુલ ધડાકાભેર ધરાશાયી થયો
- બે ટ્રક, રિક્ષા અને ગાડી 18 મીટર ઉપરથી નદીના ધસમસતા પાણીમાં ખાબક્યા : ત્રણ વ્યક્તિ લાપતા
પાદરા,વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ધરાવતા મહી નદી પરના બ્રિજ પરના બે પિલર વચ્ચેનો સ્પાન(બે પિલરને જોડતો ગાળો) બુધવારે સવારે ધડાકાભેર તૂટીને નદીના વહેતા પાણીમાં પડયો હતો. આ સાથે બે ટ્રક સહિતના અડધો ડઝન જેટલા વાહનો પણ નદીમાં પડતાં ૧૩ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતાં અને પાંચને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે.
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પરનો ગંભીરા બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ ૪૦ વર્ષ જૂનો છે અને ખખડધજ થઇ ગયો હતો. તેના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કામ સમયાંતરે થતું હતું. આજે સવારે આ બ્રિજ પરથી અનેક વાહનો પસાર થતા હતા ત્યારે ત્રણ અને ચાર નંબરના પિલરની વચ્ચેનો આશરે ૨૦ મીટર લાંબો સ્પાન ધડાકાભેર અચાનક ધરાશાયી થતા મોટો બ્રિજ બે ભાગમાં વહેંચાઇ જતા મોટી દુર્ઘટના બની હતી.
બ્રિજ પરનો મોટો સ્પાન તૂટી પડતાં બે ટ્રક, એક ઇકો ગાડી, સીએનજી રિક્ષા અને એક બોલેરો પિકઅપ ઉપરથી આશરે ૧૮ મીટર નીચે નદીના વહેતા પાણીમાં ખાબક્યા હતાં.
બ્રિજ પરથી પસાર થતાં અન્ય વાહનોના ચાલકો આ ઘટનાથી ડઘાઇ ગયા હતાં. બ્રિજ તૂટવાની જાણ થતાં જ અફરાતફરી મચી ગઇ હતી અને વહીવટીતંત્ર તેમજ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં.
નદીમાં પડેલા વાહનો તેમજ અંદર ડૂબી ગયેલા લોકોને બચાવવા માટે રાહત-બચાવ કામગીરી તુરંત શરૂ કરવામાં આવી હતી. નદીમાં કામ કરતા માછીમારો તાત્કાલિક દોડી આવ્યા હતાં અને ઇજાગ્રસ્તો તેમજ મૃત્યુ પામેલાની લાશો બહાર કાઢી હતી.
મોટી સંખ્યામાં ગ્રામજનો પણ નદીમાં ઉમટી પડયા હતાં. વર્ષોથી ખખડધજ બ્રિજના સ્ટ્રક્ચરનું રિપેરિંગ કરવા અથવા નદી પર નવો બ્રિજ બનાવવાની માંગણી કરાતી હતી પરંતુ સરકાર દ્વારા કોઇ સમયાંતરે કોઇ નિર્ણય નહી લેવાતા મોટી દુર્ઘટના થઇ હતી.
નદીમાં બે બાઇક હજી દેખાતી હોવાથી અંદર કેટલીક વ્યક્તિઓ ડૂબી હોવાની આશંકા સાથે રાત્રે પણ શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
સુરતની ધુ્રવિન પી. પટેલ એજન્સીએ
ગંભીરા બ્રિજ પર ગયા વર્ષે રૂ.1.18 કરોડના ખર્ચે રિપેરિંગ કર્યુ હતું
- બ્રિજનું સ્ટ્રક્ચર તકલાદી થયું હોવા છતાં તે અંગે કન્સલ્ટન્ટે કોઇ સૂચન માર્ગ અને મકાન વિભાગને કર્યું ન હતું
વડોદરા : ગંભીરા બ્રિજનું સમારકામ ગયા વર્ષે રૂ.૧.૧૮ કરોડના ખર્ચે જૂન માસમાં જ કરવામાં આવ્યું હતું. દર વર્ષે સમારકામ માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતો હતો તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મહી નદી પરના આ બ્રિજનું નિર્માણ વર્ષ-૧૯૮૫માં થયું હતું. આ બ્રિજ ભરૂચ જિલ્લામાંથી તેમજ મધ્ય ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ જવાના માર્ગો માટે મહત્વનો હતો. વાહનોની અવરજવરથી આ બ્રિજ સતત ધમધમતો રહેતો હતો. છેલ્લા ૧૦ વર્ષથી બ્રિજની હાલત ખખડધજ થવા આવી હતી અને વારંવાર તેને રિપેરિંગ કરવાની ફરજ પડતી હતી.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગયા વર્ષે સુરતની એજન્સી ધુ્રવિન પી. પટેલને રૂ.૧.૧૮ કરોડનો વર્ક ઓર્ડર આપ્યો હતો. આ એજન્સીએ બ્રિજની પેરાપિટ તેમજ બ્રિજ પર રિસરફેસિંગની કામગીરી જુલાઇ-૨૦૨૪ સુધી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત આ વર્ષે પણ ચોમાસામાં બ્રિજ ઉપર તેમજ એપ્રોચ રોડ પર મોટા મોટા ખાડા પડી જતા ફરી તેને પૂરવામાં આવ્યા હતાં.
ગયા વર્ષે જ કન્સલ્ટન્ટ દ્વારા સ્થળ વિઝિટ કરી હતી અને એવું સજેશન આપવામાં આવ્યું હતું કે વિયરિંગ કોટ કરાવવાની જરૂર છે તેમજ વાઇબ્રેશન તૂટી રહ્યું છે અને જોઇન્ટ લોખંડની પટ્ટી ડેમેજ થઇ રહી છે પરંતુ તે સમયે બ્રિજના સ્ટ્રક્ચરને લગતું કોઇ સજેશન આપવામાં આવ્યું ન હતું. એવું પણ મનાય છે કે મોટું રિપેરિંગ થતું હોવાથી તે અંગે કોઇ સલાહ અપાઇ ન હતી.
ગુજરાતમાં કેટલાં પુલો તૂટયાં
ગંભીરા બ્રિજ |
૯ જુલાઇ,૨૦૨૫ |
મોરબી ઝુલતો પુલ |
૩૦ ઓક્ટો,૨૦૨૨ |
હળવદ બ્રિજ |
૨૬, ઓગષ્ટ,૨૦૨૪ |
અમદાવાદ,મમતપુરા
બ્રિજ |
૨૧.ડિસે.૨૦૨૧ |
ધંધુસર બ્રિજ |
૫ જુલાઇ, ૨૦૨૩ |
ખેડા બ્રિજ |
૪ ઓક્ટો,૨૦૨૩ |
પાલનપુર બ્રિજ |
૨૩ ઓક્ટો,૨૦૨૩ |
ચોટિલા બ્રિજ |
૨૭ ઓગષ્ટ,૨૦૨૪ |
મહેસાણા આંબેડકર બ્રિજ |
૧૪, ફેબ્રુ, ૨૦૨૪ |
સુરત મેટ્રો બ્રિજ |
૩૦ જુલાઇ, ૨૦૨૪ |
રાજકોટ-માધાપર બ્રિજ |
૨૫ જાન્યુ.૨૦૨૨ |
લુણાવાડા-હાંડોડ બ્રિજ |
૨૪ ઓગષ્ટ,૨૦૨૨ |
વડોદરા-સિંધરોજ બ્રિજ |
૨૦૨૨ |
વઢવાણ બ્રિજ |
૨૪ સપ્ટે.૨૦૨૩ |
પાલનપુર આરટીઓ બ્રિજ |
૨૩ ઓક્ટો,૨૦૨૩ |