પાણીનું સુપર ક્લોરિનેશન કરીને વિતરણ
૧૫ દર્દીઓને રજા અપાઇ ઃ કોર્પોરેશનની ટીમ દ્વારા સર્વેસન્સ સઘન બનાવાયું ઃ નવા મળેલા પાંચ લીકેજ રીપેર કરી દેવાયા
ગાંધીનગર શહેરના જુના સેક્ટરો ખાસ કરીને સેક્ટર-૨૪,૨૫,૨૬,૨૭,૨૮-આદિવાડા, જીઆઇડીસીના
વિસ્તારમાં પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો વકર્યો છે.રોગચાળો ફેલાયાને ૧૦ દિવસથી પણ
વધુ સમય થઇ ગયો હોવા છતા ટાઇફોઇડના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ગઇકાલે ૧૫
પોઝિટિવ કેસ કોર્પોરેશનના ચોપડે ચઢ્યા બાદ આજે વધુ ૧૩ કેસ છેલ્લા ૨૪ કલાકમાં
નોંધાયા છે. તો બીજીબાજુ જુના ૧૫ દર્દીઓને સારુ થઇ જતા તેમને સિવિલમાંથી રજા
આપવામાં આવી છે. હાલ કોર્પોરેશનની યાદી પ્રમાણે ૭૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
છે.
તો બીજીબીજુ આ રોગચાળામાં વધુ લોકો સપડાય નહીં તે માટે
પાણીનું સુપર ક્લોરિનેશન કરીને જ વિતરણ કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા તાકિદ
કરવામાં આવી છે જે માટે સેક્ટરના જુદા જુદા વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લઇને તેમાં
ક્લોરિનેશનની માત્રાનું પરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એક ખાસ ટીમ
દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ શોધવામાં આવી રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં પાંચ નાના મોટા લીકેજ લાઇનમાં મળી આવતા તેને તાત્કાલિક રિપેર
કરવામાં આવ્યા છે. આ સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ અને આરોગ્યલક્ષી સેવાઓને
વધુ સઘન બનાવવામાં આવી છે.


