- બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત
- ભાવનગરના પંથકના લોકો બાવળા માતાજીના માંડવાના પ્રસંગમાંથી પરત જતાં હતા ત્યારે અકસ્માત નડયો
બગોદરા : બાવળાના રામનગર પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાવળાથી ભાવનગર જઈ રહેલી બોલેરો પીકઅપ અને એક ખાનગી લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ ૧૩ જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ભાવનગરના કેટલાક લોકો બાવળા ખાતે માતાજીના માંડવાના પ્રસંગમાં આવ્યા હતા. પ્રસંગ પતાવીને વહેલી સવારે તેઓ પોતાની બોલેરો પીકઅપ ગાડીમાં સવાર થઈ પરત ભાવનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન રામનગર પાસે એક ખાનગી બસના ચાલકે અચાનક યુ-ટર્ન લેતા બોલેરો ગાડી તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને ૧૦૮ ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ૧૩ લોકોને ઇજા પહોંચતા તમામને ૧૦૮ અને અન્ય ખાનગી વાહનો મારફતે તાત્કાલિક બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી ૨ લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને તાત્કાલિક અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા બાવળા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતને કારણે હાઈવે પર થયેલ ટ્રાફિક જામ દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.


