દવાખાનું ચલાવતો 12 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો
- ચાંગોદરના સરસ્વતીનગરમાંથી
- દવાખાનામાંથી એલોપેથિક દવા તથા મેડિકલ સાધનો મળી રૂ. 40 હજારનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ : ચાંગોદરના સરસ્વતીનગરમાંથી દવાખાનું ચલાવતો ૧૨ પાસ બોગસ ડોક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે દવાખાનામાંથી એલોપેથિક દવા તથા મેડિકલ સાધનો મળી રૂ.૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસે ચાંગોદર કેનાલ પાસે સરસ્વતીનગરમાં બોગસ ક્લિનિક ચલાવતા શખ્સને પકડી પાડયો છે. આરોપી રમેશ સુશેનચંન્દ્ર બિસ્વાસ (મૂળ રહે. પુરબનોનગર ગામ, જિ.નાડિયા, પશ્ચિમ બંગાળ) માત્ર ધોરણ-૧૨ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં એલોપેથિક દવાઓ આપતો હતો.
પોલીસની તપાસમાં આરોપી પોતાના મકાનમાં જ નામ વિનાનું ક્લિનિક ચલાવતો હતો. તેની પાસે કોઈ માન્યતા પ્રાપ્ત મેડિકલ ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે પી.એચ.સી.સનાથલના મેડિકલ ઓફિસરના સંકલનમાં રહીને આરોપીને પકડી તેની પાસેથી જુદી-જુદી કંપનીની એલોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો મળી કુલ રૂ.૪૦,૬૯૬નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.