જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા
વરતેજ અને સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
દારૂના અલગ-અલગ બનાવોમાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડે કુલ બે શખ્સોને ઝડપ્યા, ચાર સામે ગુનો નોંધાયો
સોનગઢ ગામ ટંડેલીયા ચોકથી રેલવે સ્ટેશનવાળા રોડ પર બાઈક પર શંકાસ્પદ હાલતે ઉભેલા રાકેશ ઉર્ફે રાકલો બાલાભાઈ કંટારિયા (રહે.સોનગઢ)ને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે તપાસતા તેની પાસે રહેલી કાળા કલરની કોથળીમાંથી વિદેશી દારૂની ૨૫ બોટલો મળી આવી હતી. જે અંગે પુછતા દારૂનો આ જથ્થો અજયસિંહ બળદેવસિંહ ગોહિલ (રહે.સોનગઢ) નો હોવાની કબૂલાત આપતા પોલીસે કુલ રૂ.૫૨,૧૫૦ના મુદ્દામાલ કબ્જે લઈ ઉક્ત બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જ્યારે અન્ય એક બનાવમાં અમદાવાદ ધોલેરા તરફથી ભાવનગર શહેર તરફ જીજે-૦૪-એડબલ્યુ-૮૦૦૮ નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતો હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડે નારી ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાત્રિના ૨ કલાકના અરસામાં બાતમીવાળા ટ્રકને અટકાવી તપાસ કરતા ડ્રાઈવર સીટની પાછળના ભાગે બનાવેલા ખાનામાં અને કેબિન પર બાંધેલી તાડપત્રીમાંથી દારૂની કુલ ૧૦૨ બોટલ તથા બિયરના ૯૨ ટીન મળી આવતા ટ્રક ડ્રાઈવર મયુર ઉર્ફે મયલો શિવુભાઈ ગોહિલ (રહે.મહુવા)ને ઝડપી લઈ પુછપરછ કરતા દારૂનો આ જથ્થો અબ્બાસ હસનભાઈ આરી (રહે.શાસ્ત્રીનગર, મહુવા)વાળાએ મંગાવ્યો હતો અને તેને આપવાનો હતો તેવી કબૂલાત આપતા પોલીસે દારૂ સહિત કુલ રૂ.૧૩,૮૭,૬૧૨નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.