- ઘરે ઘરે પાણીજન્ય બિમારીના ખાટલા મંડાતા લોકોમાં ભય
- ઝાડા-ઉલટીના 31 કેસ નોંધાયા : પાણીના 813 નમૂનામાંથી 158 માં અશુદ્ધિ હોવાનું સામે આવ્યું
બાલાસિનોર : મહિસાગર જિલ્લાના તાલુકા મથક બાલાસિનોરમાં એકાદ મહિનાથી પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે. જેના પગલે ગણતરીના દિવસોમાં કમળાના ૧૨૬ તથા ઝાડા-ઉલટીના ૩૧ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પીવા માટે ઉપયોગમાં લેવાતા અશુદ્ધ પાણીના કારણે આ ગંભીર સ્થિતિ પેદા થઇ છે અને ઘરે ઘરે બિમારીના ખાટલા મંડાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણીના ૧૫ સેમ્પલ પીવાલાયક ન હોવાનો ચોંકાવનારો રિપોર્ટ પણ સામે આવ્યો છે.
બાલાસિનોર શહેરમાં લગભગ એકાદ મહિનાથી પાણીજન્ય રોગચાળો વકરતા નાના-મોટા દવાખાનામાં દર્દીની ભીડ જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી અનુસાર નવેમ્બરથી આજ સુધીમાં કમળાના ૧૨૬થી વધારે કેસ નોંધાયા છે. જોકે ટાઇફોઇડ અને કોલેરાના કોઇ કેસ નથી. બાલાસિનોર શહેરમાંથી પીવાના પાણીનો નિયમિત ક્લોરીન ટેસ્ટ કરાય છે. દરરોજ સરેરાશ ૧૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં લેવાયેલા ૮૧૩ સેમ્પલમાંથી ૧૫૮ સેમ્પલમાં ક્લોરીન નીલ આવેલ છે. એટલે કે પાણીમાં અશુદ્ધિ હોવાનું સાબિત થાય છે. બેક્ટેરિયોલોજિકલ તપાસ માટે ૨૫ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૫ સેમ્પલ ફેલ નિકળ્યા છે, જેથી આ પાણી સાવ પીવા લાયક નથી. બાલાસિનોર નગરમાં વકરેલા રોગચાળાના પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.
પીવાના પાણીની લાઇનમાં 25 લિકેજ મળ્યાં, ગટરના પાણી ભળી જતા રોગચાળો વકર્યો
બાલાસિનોરમાં વકરેલા રોગચાળાને લઇને વડોદરાથી મેડિકલ કોલેજની રેપિડ રિસ્પોન્સ ટીમ આવી હતી. જેની તપાસમાં પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જવાના કારણે આ સ્થિતિ પેદા થઇ હોવાનો ખુલાસો થયો છે. આરોગ્ય તંત્રએ હાથ ધરેલી તપાસમાં બાલાસિનોર શહેરમાંથી પીવાના પાણીની લાઇનના ૨૫ લિકેજીસ મળી આવ્યા છે. જોકે લિકેજીસની સંખ્યા તો ઘણી વધારે હશે. પાણીની લાઇન લિકેજ હોવાથી પીવાના પાણીમાં અશુદ્ધિ ભળી રહી છે.
17 હજાર ક્લોરીન ટેબલેટનું વિતરણ, 20 ટીમ દ્વારા ઘરે ઘરે સર્વે
બાલાસિનોરની સ્થિતિ અંગે ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.આર. પટેલીયાએ જણાવ્યું છે કે, આરોગ્ય વિભાગની ૨૦ ટીમ દ્વારા હાલમાં ઘરે ઘરે સર્વે ચાલી રહ્યો છે. પાણીના ક્લોરીનેશન ચેક કરવામાં આવી રહ્યાં છે. નવા કેસ મળે કે લાઇનમાં લિકેજીસ મળે તો નગર પાલિકાને જાણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનની ૧૭,૬૦૬ ટેબલેટનું વિતરણ કરાયું છે. લોકોને પીવાના શુદ્ધ પાણી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.


