મોરબીમાં બાતમીના આધારે પોલીસની સફળ વોચ
ખાનગી ટ્રાવેલ્સમાંથી પાર્સલ મેળવી રીક્ષામાં લઇ જતી વખતે પોલીસ ત્રાટકી, રૂા.૪.૫૭ લાખનો મુદામાલ કબજે
મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન બાતમી મળી હતી કે વાપીથી મોરબી આવતી ખાનગી ટ્રાવેલ્સમાં બેટરીના પાણીની આડમાં પેકિંગ કરેલા પાર્સલના બોક્ષમાં ઈંગ્લીશ દારૂ મંગાવી તૌફીક મહેબુબ બુખારી (રહે. ખાટકીવાસ) લઇ જવાનો છે. જે બાતમી મળતા પોલીસ ટીમે વોચ ગોઠવીને લાતી પ્લોટના નાકેથી લોડીંગ રીક્ષા ઝડપી લીધી હતી.
જે રીક્ષાની તલાસી લેતા દશમાંથી ત્રણ બોક્ષમાં બેટરીના પાણીની બોટલ નંગ ૧૮ અને અન્ય સાત બોક્ષમાં દારૂની બોટલો મળી આવી હતી. અલગ અલગ બ્રાન્ડની દારૂની રૂા. ૪,૦૫,૬૦૦ની કિંમતની ૧૨૪૮ બોટલ મળી આવતા કુલ રૂા. ૪,૫૭,૪૦૦નો મુદામાલ જપ્ત કરી આરોપી તૌફીક મહેબુબ બુખારીને ઝડપી લીધો હતો. જેની પુછતાછમાં અન્ય આરોપી સાહિલ હનીફ પરમાર (રહે. રાજકોટ)નું નામ ખુલતા વધુ તપાસ ચલાવી હતી.


