Get The App

દોરીથી ઘાયલ ૧૨૪ કબુતર, ૪ સમડી,ત્રણ ચામાચિડીયા,બે શાહુડી,એક મોરને રેસ્ક્યૂ

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
દોરીથી ઘાયલ ૧૨૪ કબુતર, ૪ સમડી,ત્રણ ચામાચિડીયા,બે શાહુડી,એક મોરને રેસ્ક્યૂ 1 - image

દોરીથી પક્ષીઓ ઘાયલ થવાનો સિલસિલો ચાલુ

શહેરમાં ટ્રસ્ટ દ્વારા છ દિવસમાં ૨૬૭ પશુ-પક્ષીઓને બચાવ્યા ઃ ૩૬૫ દિવસ સેવા કાર્યરત

ગાંધીનગર :  ઉત્તરાયણ એ ઉત્સાહ અને ઉમંગનો તહેવાર મનાય છે પરંતુ આ ઉત્સાહમાં સેંકડો જીવ જોખમમાં મુકાયા છે. પતંરગની ધારદાર દોરીથી ઘણા પક્ષીઓની જીવાદોરી કપાઇ ગઇ છે.ત્યારે નગરના સ્વયંસેવકો મકરસંક્રાંતીએ ખડેપગે રહીને ઘાયલ પક્ષીઓને નવજીવન બક્ષ્યું છે. ગાંધીનગરની શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા કે જે બારે માસ જીવદયા માટે કામ કરે છે તેના દ્વારા ઉત્તરાયણ પર્વના છ દિવસ દરમિયાન કુલ ૨૬૭ જેટલા પક્ષુ પક્ષીઓનો જીવ બચાવ્યો છે.

ઉત્તરાયણ શરૃ થાય તે પહેલાથી જ આ વખતે ગાંધીનગરમાં કામ કરતી વિવિધ સેવાભાવી-જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા ઘાયલ પક્ષીઓને બચાવવા માટે ડેરાતંબુ લગાવી દિધા હતા. તેમાં પણ ખાસ કરીને ગાંધીનગરમાં ૩૬૫ દિવસ ૨૪ કલાક સેવા આવતી શ્રી રામ ચેરીટેબર ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણના છ દિવસ દરમિયાન ખાસ કેમ્પ કર્યો હતો.સહાય ફાઉન્ડેશનના સહયોગથી આ ટ્રસ્ટ દ્વારા કુલ ૨૬૭ કોલ એટેન્ડ કર્યા હતા અને પશુપક્ષીઓને તાત્કાલિક સારવાર પુરી પાડી હતી. જેમાં ૧૨૪ જેટલા કબુતર હતા.

આ ઉપરાંત ચાર કોયલ, ૯ આબીસ, ત્રણ ચામાચીડીયા, ચાર સમડી, ત્રણ શાહુડી ઉપરાંત મોર, પોપટ, ટીંટોડી, બાજ, હોલો, સીખડો સહિતના પક્ષીઓના પણ કોલ મળતા રેસ્ક્યુઅર દ્વારા ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમને રેસ્ક્યુ કર્યા હતા અને જરૃરી સારવાર આપવામાં આવી હતી. વધુ સારવાર માટે કેટલાક પક્ષીઓને દવાખાના ખાતે તથા એનિમલ હાઉસમાં પણ ખસેડવામાં આવ્યા હતા.